ભુજ નજીક મોખાણા ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 17 વર્ષીય સગીરે મોબાઈલ ગેમમાં હારી જતા આપઘાત કર્યો છે. જેમાં મોખાણા ગામના કાર્તિક મેરિયા નામના સગીરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે આ ઘટનામાં સગીરના મોબાઈલ ફોનમાં અનેક મોબાઈલ ગેમ હોવાની માહિતી મળી છે. સગીરે આપઘાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો
માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો. આ દરમ્યાન ગત 4 જાન્યુઆરીના રોજ ગેમમાં હારી જતાં તે ઘેરા આઘાતમાં આવી ગયો હતો.
પરિવારમાં શોકનો માહોલ
મોબાઈલ ગેમમાં મળેલી હારને કારણે આવેશમાં આવીને નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. ગંભીર હાલતમાં કિશોરને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.