ધ્રુવ ભટ્ટની આ ટોપ 10 નવલકથાઓ તમે વાંચી ? દરેક મિત્રો શેયર કરો.

1. તત્વમસિ

‘તત્વમસિ’નો નાયક અમેરિકાની કોઈક યુનિવર્સિટીની ગ્રાન્ટ લઈને આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરવા આવે છે. તે સ્વેચ્છાથી આવતો નથી પરંતુ તેના ગુરુ પ્રો. રુડોલ્ફની ઈચ્છાને વશ થઈને આવે છે. ભારતના વતની એવા આ યુવાનને સ્વદેશની પરંપરાઓ કે સંસ્કૃતિ અભ્યાસ પ્રત્યે કોઈ ખાસ પ્રેમ નથી. પરંતુ આ મહાન દેશ વિશે કેટલાક ગેરખ્યાલો અને પૂર્વગ્રહોને લઈને આવે છે. અહીં આવ્યા પછી અહીના લોકો, અહીની સંસ્કૃતિ, અહીંની પ્રકૃતિ, અહીના લોકોની શ્રદ્ધા,માન્યતાઓ, એમના વિચારો, એમની જીવન જીવવાની રીત વગેરેને જાણીને નાયકમાં પરિવર્તન આવે છે. નર્મદા કાંઠે વિસ્તરતી આ નવલકથા વાંચો તો તમે પણ ત્યાં જ ફરતા હોવ એવું અનુભવ થઇ આવે. આ નવલકથા પરથી જ ‘રેવા’ નામે ગુજરાતી ફિલ્મ બની છે.

2. અકૂપાર

ગીરની સંસ્કૃતિ અને પ્રકૃતિને ઝીલતી આ નવલકથા છે. કથાના નાયકને ચિત્ર દોરવાનું કામ મળે છે અને તે ગીરને પસંદ કરે છે. અહીં આવ્યા પછી અહીના લોકો સાથે ઓતપ્રોત થઇ જાય છે. એક નવા જ વિશ્વમાં આવ્યાનો તેને અનુભવ થાય છે. આઇમાં, સાંસાઈ, ધાનું, મુસ્તફા, ગોપાલ, રવિભા વગેરે પાત્રોમાં તેને એક નવા જ માણસના દર્શન થાય છે. બે પર્વતના લગ્નની વાત, કેરેલાથી આવેલા સ્ટેશન માસ્તરની વાત, સંશોધન કરવા આવેલી વિદેશી યુવતી ડોરોથી, રવાઆતાની વાતો, આઈમાની વાતો, સાંસાઈનું ભૂતકાળ વગેરે ઘટનાઓ સરસ રીતે આલેખાઈ છે. ગીરને જો ખરેખર જાણવી હોય, સમજવી હોય, જોવી હોય તો ‘અકૂપાર’ એક વાર તો વાંચવી જ જોઈએ.

3. અગ્નિકન્યા

આ કથા દ્રૌપદીના જીવન પર આધારિત છે. દ્રૌપદી જેવી છે તેવી અહીં પ્રગટ થઇ છે. તેના જીવન વિશેની લગભગ બધી જ ઘટનાઓ લેખકે વણી લીધી છે. મહાભારતના એક મહાન પાત્ર તરીકે અહીં દ્રૌપદીના દર્શન થાય છે. શરૂઆતથી અંત સુધી જકડી રાખતી આ કથા દ્રૌપદીના ખરા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. સાચી રીતે દ્રૌપદીને જાણવી હોય તો આ નવલકથા વાંચવી રહી.

4.અતરાપી

આ વાર્તા એક સરમેય નામના શ્વાનની છે. જે તમારામાંના આનંદને ઉજાગર કરીને તમારી જાતને ઢંઢોળતા કરી દે છે. આ ત્રણ વાક્યો કથામાં સતત પડઘાયા કરે છે. 1. તેમ કરવું મને જરૂરી નથી લાગતું. 2. હું જાણતો નથી. 3. તેવું હોઈ પણ શકે. આ એક ચિંતનાત્મક નવલકથા છે. તમારે તમારી જાતની નજીક જવું હોય તો આ કથા વાંચો.

5. કર્ણલોક

અનાથ આશ્રમની આસપાસ આ કથાનો તંતુ બંધાયેલો છે. અહીં રહેતા અને અભ્યાસ કરતા અનાથ બાળકોની નિર્દોષતા અને તેમની જીવનરીતને લેખકે ભાવકો સામે મૂકી છે. અનાથ આશ્રમ, ત્યાં રહેતા બાળકો, એમની વેદના વગેરે બાબતોને લેખકે સહજતાથી આલેખી છે જે વાંચતા વાચકની આંખ સહેજ ભીની થઇ જાય છે.

6. સમુદ્રાન્તિકે

નવલકથાનો નાયક સમુદ્ર કાંઠાના જનપદમાં એસ્ટેટ બંગલા તરીકે ઓળખાતી ઐતિહાસિક હવેલીમાં ત્રણેક વર્ષ રહીને કેમિકલ ઝોન સ્થાપવા માટેની પૂર્વ તૈયારી રૂપે એ વિસ્તારની માપણી કરીને જરૂરી ભલામણ સાથે રીપોર્ટ તૈયાર કરવાના સરકારી નોકરીના ભાગ રૂપે ત્યાં આવે છે. ત્યાં વરાહ સ્વરૂપ, શ્યાલબેટ, પટવા, રુકમી પાણો વગેરે સ્થળોએ તે ફરે છે. સમુદ્રી કાંઠાની પ્રકૃતિને જાણે છે. અહીના માણસોની માણસાઈ સમજે છે. સમુદ્ર કાઠાનું પરિભ્રમણ આહલાદક લાગે છે. આ વાચતા વાચતા ‘આરણ્યક’ કૃતિ યાદ આવી જાય તો ના નહીં.

7. તિમિર પંથી

 

આ કથા એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદા એ જ ગુનેગાર ગણ્યો છે. તથા સભ્ય સમાજે જેમને અવગણી કાઢ્યા છે. ચોરી કલાના નિયમો, જોખમો, તથા ગુરુ અને પૂર્વજોની આજ્ઞાની વાતો વાચકોને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. વગડામાં દંગાઓ બનાવી તેમાં રહેતા માનવીઓનું જીવન, તેમના આચારવિચાર, તેમની નિખાલસતા, તેમની પરંપરાઓ વગેરે વાતોને લેખકે સરસ રીતે આલેખી છે. રહસ્ય અને રોમાંચથી ભરપુર આ કથા એક વાર વાંચશો તો એક અજાણ્યા માણસોને જાણવાનો, તેમને સમજયાનો આનંદ વધી જશે. ‘કોણ ચોર નથી ?’ એ વાક્ય આપણી જાતને હચમચાવી મૂકે છે. આ વાંચ્યા પછી તમે એક નવા જ વિશ્વને જાણ્યાનો અનુભવ કરશો.

8. લવલી પાન હાઉસ

વાર્તાનો નાયક છે ગોરા. રેલવે સ્ટેશન પર જન્મી, માતા દ્વારા તરછોડાઈ, રેલવે સ્ટેશન પર રહેતી બહેનો દ્વારા ઉછરી એક ફિલ્મ ડીરેક્ટર સુધીની તેની યાત્રા અહીં આલેખાઈ છે. ઘણા બધા રહસ્યોથી ભરપુર છે આ કથા. આપણી આંખો જેટલું જુએ છે તેના કરતા પણ વિશ્વ વિશાળ છે. સરસ રીતે ઘટનાઓની માવજત લેખકે કરી છે. એક વાર વાંચ્યા પછી એ વિશ્વ આપણા મનનો કબજો લઇ લે છે.

9. પ્રતિશ્રુતિ

આ કૃતિ ભીષ્મ પિતાના જીવન પર આધારિત છે. મૂળ પૌરાણિક માન્યતાને યથાવત રાખીને લેખકે ભીષ્મ પિતાના મુખે એમની આત્મકથા રજુ કરી છે. આખી કથામાં ભીષ્મ પિતાના જીવન વિશેના એવા સંદર્ભો સાંપડે છે જે આપણે જાણતા નથી. નાની નાની એમના જીવનની વિગતોમાં પણ કંઈ કેટલુંય સમાયેલું છે. કથાને અંતે એવું લાગે કે ભીષ્મ પિતાને તો હું જાણતો જ નહોતો.

10. ન ઇતિ

વાર્તાનો મધ્યવર્તી વિચાર છે વૈદિક કાલીન સમાજ વ્યવસ્થા સાથે ભવિષ્યના સમાજ વ્યવસ્થાની આલેખણી. પ્રકૃતિનું દોહન હોય શોષણ નહીં. જીવતા શીખવું અને જીવવું બંને સંદર્ભ સરસ રીતે આલેખાયા છે. શરૂઆતમાં આપણે જાણે કે કોઈ હોલીવુડની સાયન્ટીફીક મુવી જોતા હોઈએ એવું લાગે. અને પછી એક યાનમાં બેસીને પહોંચીએ છીએ ભૂઈ પર જ્યાંથી કથા રસપ્રદ રીતે વળાંક લે છે. જીવનને બીજી રીતે જીવતા શીખવું હોય તો આ કથા વાંચવી રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *