સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રાણીઓના વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાં અમુક વખત સાપ, દીપડા કે અજગર જેવા પ્રાણીઓ રહેણાક વિસ્તારમાં આવી જતા હડકંપ પણ મચી જતો હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ઘરમાં એક પાંચ મીટર લાંબો અજગર ઘૂસી ગયો હતો.
આ વાયરલ વીડિયો મલેશિયાના કમ્પુંગ ડ્યૂના કામુનટિંગ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક જંગલી અજગરે એક પરિવારના ઘરની છતમાં પોતાનું ઘર બનાવ્યું હતુ. જેમાં તે ધીરે ધીરે 5.5 મીટર લાંબો અને 80 કિલોથી વધુ વજનદાર બની ગયો હતો. પરિવારને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને છતમાં હલચલ જોવા મળી. જેથી ગભરાયેલા પરિવારજનોએ તરત જ સિવિલ ડિફેન્સ ટીમને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં 22 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યે સિવિલ ડિફેન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે છતમાં હોલ કર્યો ત્યારે તે અજગર નીચે સોફા પર પડ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અજગરના શરીરનો અડધો ભાગ સોફા પર છે અને બાકીનો અડધો ભાગ જમીન પર છે.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિવિલ ડિફેન્સની ટીમે આ વિશાળ અજગરને જીવતો પકડીને જંગલમાં છોડી દીધો હતો. અજગરની આ પ્રકારની ઘરમાં એન્ટ્રીથી પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા.