સાબરકાંઠાના પ્રાંતિજમાં સાંપડ ગામે મહાકાલી માતાજી બિરાજમાન છે. હંમેશા ક્રોધિત સ્વરૂપે દ્રશ્યમાન મા મહાકાલી આ ગામે શાંત સ્વરુપે બિરાજે છે. 650 વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાંથી પ્રગટ થયેલા મહાકાલી માતાજીની પ્રતિમા ભારતભરની મહાકાલી મા ની પ્રતિમાઓથી બિલકુલ અલગ છે. સાંપડ મંદિરે શાંત ચહેરા સાથે પ્રગટ થયેલા મહાકાલી માતાજી સમગ્ર વિસ્તારમાં અપાર શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે. સાંપડ ધામ મહાકાલી માનુ મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે પર આવેલા પ્રાંતિજથી પીલુન્દ્રા જતા 8 કિલોમીટરના અંતરે સાંપડ ગામ આવેલું છે. બીજી તરફ નેશનલ હાઈવે પ્રાંતિજથી આગળ જતા સલાલથી માત્ર 6 km ના અંતરે મહાકાલી મા સાંપડનું મંદિર આવેલું છે. ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં અને વિદેશમાં વસતા ભક્તો મહાકાળી માતાજીમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. સાબરકાંઠાના પ્રાંતિજનું સાંપડ ધામ હાલ સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનો પર્યાય બની રહ્યું છે.
સાબરકાંઠાના સાંપડ ગામે મહાકાલી માતાજી બિરાજમાન
ઈડરના રાવ રાજાના સમયથી સાંપડધામ જાણીતુ છે. ઈડરના રાજા રાવ રાયમલ નિસંતાન હતા રાજાએ પોતાનું વાંઝીયાપણું દૂર કરવા માટે સ્થાનિક સંતો મહંતોનું જાહેર સંમેલન રાખ્યુ હતું. જેમાં સાંપડધામના જે તે સમયના પૂજારીએ રાજા રાવ રાયમલને વાંઝીયાપણું દૂર કરવા મહાકાળી માતાજીનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં રાજા રાવ રાયમલની પત્નિ ગર્ભવતી થઈ ત્યારે રાજાએ નાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વર્ષોથી પ્રાંતિજ તાલુકા સહિત અમદાવાદ તેમજ ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં સાંપડધામનું મહત્વ વધતું રહ્યું છે. નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા સાંપડધામ પાસેથી આવન જાવન કરનારા હજારો લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને આગળ જાય છે. દિન પ્રતિદિન મહાકાળી માતાજીના આશીર્વાદ લેવા ભક્તજનોનો અવિરત પ્રવાહ યથાવત રહે છે.
મહાકાલી માના મંદિરે વિવિધ પ્રકારના યજ્ઞ પણ કરવામાં આવે છે
સામાન્ય રીતે ભારતભરના તમામ મહાકાલી મંદિરોમાં માતાજીની પ્રતિમાનું સ્વરૂપ ગુસ્સામાં હોય છે. જ્યારે સાબરકાંઠામાં પ્રાંતિજના સાપડધામમાં બિરાજમાન મહાકાલીનો ચહેરો શાંત અને પ્રભાવશાળી છે. ભાવિકો માતાજીના દર્શન માત્રથી મંત્રમુગ્ધ થાય છે. મંદિરમાં માનવામાં આવેલી કોઈ પણ માનતા પૂર્ણ થવાની દર્શનાર્થીઓમાં અતૂટ આસ્થા છે. મહાકાલી માતાજીને સુખડીનો થાળ ધરાવવામાં આવે છે. મહાકાલી મા ના મંદિરે વિવિધ પ્રકારના યજ્ઞ પણ કરવામાં આવે છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા સાંપડધામની મુલાકાત કરે છે. સામાન્ય રીતે દરેક ભક્તજન કે શ્રદ્ધાળુને પોતાની આસપાસના મંદિર કે વિવિધ આસ્થાના ધામ ઉપર વિશેષ શ્રદ્ધા હોય છે. ત્યારે સાપડધામ પ્રાંતિજ, આસપાસના તાલુકાઓ જિલ્લાઓ સહિત અમેરિકામાં વસનારા લોકો માટે પણ વિશેષ શ્રદ્ધાનું પર્યાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશમાં વસતા ભક્તજનો પોતાના વતન આવે ત્યારે અચૂક મહાકાલી માતાજીના મંદિરે દર્શન કરવા આવે જ છે. અને દર્શનનો લાભ લે છે.
વિદેશવાસીઓમાં પણ પ્રચલિત છે સાંપડધામ
પોતાના વતનથી દૂર રહેવા છતાં આજે પણ તેમની આસ્થા અને શ્રદ્ધામાં કોઈ ખોટ આવી નથી. માતાજીને શ્રદ્ધાપૂર્વક યાદ કરવાથી તેમની વિવિધ માનતાઓ સહિત કોઈ પણ સમસ્યાઓ સરળતાથી દૂર થતી રહેલી છે. જેના પગલે વિદેશવાસીઓમાં પણ સાંપડધામ પ્રચલિત છે. 650 વર્ષ જૂના મહાકાલી મા ના મંદિરે ભક્તો પોતાની માનતા બાધા પૂરી કરવા સુખડીનો પ્રસાદ ધરાવે છે અને શ્રીફળ વધેરે છે. ગ્રામવાસીઓ હવન અને પારિવારીક પ્રસંગો મંદિરે આવીને કરે છે. માતાજીના ચોકમાં પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં આવે છે. સાંપડધામ મહાકાલી માતાની કૃપાથી કેટલાય ભક્તજનો માટે આશરો મેળવવા માટેનું એકમાત્ર સ્થળ બની રહ્યું છે. નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આવેલા સાંપડધામ મંદિરથી નિરંતર આસ્થા અને શ્રદ્ધાનો ઘંટારવ થતો રહે છે જે રસ્તે પસાર થતા દરેક રાહદારી માટે આસ્થાનો આશરો છે