અમદાવાદના ધોળકામાં આવેલું છે આવું જ એક મહાદેવનું મંદિર, જે પાંડવોના સમયનું હોવાનું મનાય છે. સ્થાનિકોની માન્યતા છે કે આ મહાદેવના મંદિરની સ્થાપના પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન કરી હતી. આ મહાદેવનું મંદિર ચંદ્રમૌલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો ગુપ્તવાસમાં હતા, ત્યારે છેલ્લું સ્થળ વિરાટનગર હતું. આ વિરાટનગર ચંદ્રભાગા નદીના કિનારે વસતું હતું, જ્યાં પાંડવો નિયમિત શંકર ભગવાનની પૂજા અર્ચના કરવા આવતા હતા. આ નદીના કિનારે જ ચંદ્રમૌલેશ્વર મહાદેવ બિરાજમાન છે. અમદાવાદથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા આ મહાદેવજીના મંદિરમાં કોઈ શિવલિંગ જ નથી. અહીં પરપોટાની પૂજા શિવલિંગ તરીકે થાય છે. કહેવાય છે કે પાંડવોની પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને વરદાન આપ્યું કે આ સ્થળે તેઓ પોતે બિરાજમાન થશે અને આ જગ્યા અનાદિકાળ સુધી શાશ્વત રહેશે.
આ મંદિરના પૂજારી મૌલેશભાઈ જોશીના કહેવા પ્રમાણે તેમનો પરિવાર છેલ્લી 7થી 8 પેઢીથી પરપોટિયા મહાદેવની પૂજા અર્ચના કરે છે. તેમનું કહેવું છે કે અહીં તેમના પરિવારના લોકોએ પૂજા કરવી જ પડે છે, અને ભગવાન ભોળાનાથની આ પૂજાને તેઓ અવસર તરીકે જોઈ રહ્યા છે. મૌલેશભાઈના કેહવા પ્રમાણે આ મંદિર 5000 કરતા વધુ વર્ષ જૂનું છે, અને અહીં જમીનમાંથી જાતે જ પરપોટા ઉદ્ભવે છે.
આ પરપોટા કેવી રીતે થાય છે, તેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. સાથે જ જો તમે રોજેરોજ આ પરપોટા ગણવાનો પ્રયાસ કરશો, તો રોજ તેનો આંકડો બદલાઈ શકે. આના કારણે જ લોકો ચંદ્રમૌલેશ્વર મહાદેવને પરપોટિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે, અને તેને ચમત્કારિક માને છે.
સાથે જ આ મહાદેવજીના મંદિરનું ચંદ્ર સાથે પણ ખાસ કનેક્શન છે. પૂનમની રાત્રે અહીં શિવલિંગ પર ખાસ પ્રકારનો સફંદ રંગ જોવા મળે છે. જેના દર્શન કરવા પણ ભક્તો ઉમટી પડે છે. ધોળકા સહિત આસપાસના ગામડાઓના ભાવિકોની અતૂટ શ્રદ્ધા અને આસ્થા મહાદેવ સાથે જોડાઈ છે અને એટલે જ દર સોમવારે, અમાસે અને પૂનમે ભાવિકો મંદિરે ઉમટે છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવ મદિર ત્રણ વીઘા જેટલી જગ્યામાં ફેલાયેલું છે, આ જગ્યામાં બીજા નાના મોટા ઘણા શિવાલયો છે.
એક માન્યતા એવી પણ છે કે જ્યારે વડોદરા પર ગાયકવાડ શાસન હતું, ત્યારે સયાજીરાવ ગાયકવાડને સપનામાં આ મંદિર આવ્યું. તેઓ મંદિર શોધતા શોધતા અહીં પહોંચ્યા અને પરપોટિયા મહેદવનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારથી આ મંદિરમાં દીપજ્યોતિ સ્તંભ રાખવામાં આવ્યો છે, જેમાં નિત્ય સાંજે આરતીના સમયે દીવા કરવામાં આવે છે. પરપોટીયા મહાદેવ મંદિરની અખંડ જ્યોતના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે છે. જો કે, તમે આ મંદિરમાં એકસાથે બે જ્યોતના દર્શન કરી શકો છો, જે તેલ અને ઘીથી પ્રજ્વલિત કરવામાં આવી છે, જે ગાયકવાડ શાસન સમયથી પ્રજ્વલિત છે.
શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીં સરસ મજાનો મેળો પણ ભરાય છે. એવું કહેવાય છે કે, હજારો વર્ષથી આ મેળો અહીં યોજાય છે. આમ તો વર્ષ દરમિયાન શિવ ભક્તોથી મંદિર મહાદેવના નાદથી ગુજતું હોય છે, પરંતુ દર વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ વહેલી સવારે સેંકડો ભક્તો પરપોટીયા મહાદેવના દર્શન કરવા ઉમટે છે અને ”હર હર ભોલે”ના નાદથી સમગ્ર મંદિર અને તેનું આસપાસનું વાતાવરણ શિવમય બની જાય છે.
