રોદ્ર રૂપ હોવા છતાં દેવોના દેવ મહાદેવ શિવજી સરળતાથી રીજી જાય છે અને એટલે જ દરેક ગામ કે શહેરમાં શિવાલય હોય છે જ. શિવજીના દરેક શિવાલય સાથે જોડાયેલી છે અનેકવેદ ગાથાઓ. ભક્તોની આસ્થાની ગાથાઓ. ભક્તોના રક્ષણની કથાઓ અને આવું જ દિવ્ય શિવાલય એટલે અમદાવાદનું કર્ણમુકતેશ્વર મહાદેવનું મંદિર. વાસ્તવમાં આ મંદિરનું નામ એક સમયે કર્ણાવતી નગર તરીકે ઓળખાતા અમદાવાદ પરથી જ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે આ મંદિર અને અમદાવાદનો તાલમેલ છેલ્લા 1100 વર્ષથી અવિરત છે. આ દિવ્ય સ્થાનક ભક્તોના હૃદયમાં જેટલુ ઉચ્ચ સ્થાન ધરાવે છે તેટલો જ દિવ્ય અને ભવ્ય ભૂતકાળ આ શિવ મંદિર ધરાવે છે
એક માન્યતા અનુસાર આ મંદિરનો નાતો ગુજરાતના ઇતિહાસમાં પ્રસિદ્ધ મહારાજ પાટણ પતિ ભીમદેવના પુત્ર એવા કર્ણદેવ સાથે જોડાયેલો છે. વાત ત્યારની છે જ્યારે આજનું અમદાવાદ એ આશાવલ્લી નગરી તરીકે ઓળખાતું હતુ. આશાવલ્લી નામની આ નગરીમાં આશાભીલનું રાજ હતું. કર્ણદેવે આશાભીલને પરાસ્ત કર્યા બાદ કર્ણાવતી નગર એટલે આજના અમદાવાદની સ્થાપના કરી હતી.
આજે પણ આ દિવ્ય સ્થાનકમાં સોલંકી સમયના બાંધકામની ઝાંખી નિહાળી શકાય છે. કહેવાય છે રાજા કર્ણદેવના સમયમાં આ દિવ્ય સ્થાનકની જાહોજલાલી કંઈક ઓર જ હતી. કર્ણમુક્તેશ્વર મંદિરે દૂરદૂરથી સાધુ-સંતો દર્શનાર્થે પધારતા હતા મંદિર આસપાસ નિર્માણ કરાવેલા બાગ અને ધર્મસભા માટે બનાવેલા મંડપોમાં દેશભરના વિદ્વાન પંડિતો ધ્યાન કરતા હતા. કર્ણમુક્તેશ્વર મહાદેવની જાહોજલાલી અદભુત હતી જેનું એક ઉદાહરણ છે મુખ્ય ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ.
કર્ણદેવે પોતાના ઇષ્ટદેવ શિવજીનું મંદિર બંધાવ્યું એ મંદિર એટલે આજના સારંગપુર વિસ્તારમાં આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર. શિવાલયના નિર્માણ માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અનેક દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી હતી. જેના આવશેષો મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે. અને આ દેવી-દેવતાની પૌરાણિક પ્રતિમાઓ આધારે ચોક્કસપણે કહી શકાય કે આ દિવ્ય સ્થાનકે મહાદેવના શિવાલયની રચના થઈ તે પહેલાથી જ આ ધરાને દેવી કૃપાની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી અને આજે પણ ભક્તોને મળેલા પરચામાં આ પાવનકારી ધરાના ઉર્જાના પ્રમાણ મળી રહ્યા છે.
શિવલિંગની ટોચ પર જે છીદ્ર દેખાય છે ત્યાં પહેલા હીરો હતો જેના પર વિદેશી આક્રમણકારોની ક્રૂર દ્રષ્ટિ પડી અને શિવલિંગ પરનો હીરો લૂંટી લેવાયો ત્યારથી આ શિવલિંગ પર છીદ્ર છે. ઘણા વિધર્મીઓ આવ્યા અને દિવ્ય સ્થાનકોને ક્ષતિગ્રસ્ત કરતા ગયા. પણ આ દેવસ્થાનકોની દિવ્યતા જ તો તેની પવિત્રતા છે. આજે ન માત્ર કર્ણાવતી પણ સમસ્ત સનાતન સંસ્કૃતિની અનોખી ધરોહર આ દિવ્ય સ્થાનક કર્ણમુક્તેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલયમાં સચવાયેલી છે. દિવ્ય મંદિરના બાંધકામની શૈલી જોઈને મંદિરના ભવ્ય ઇતિહાસનો ખ્યાલ સહજતાથી આવે છે. સમયની અનેક થપાટો સહન કરીને આજે પણ આ દિવ્ય સ્થાનક પોતાની અલગ છાપ અને અલગ શૈલી સાથે અડીખમ ઉભું છે અને એ દિવ્ય અહેસાસ મંદિરમાં પ્રવેશતાની સાથે જ થાય છે.
મહાદેવનું શિવાલય ઘણી રીતે અન્ય શિવ મંદિરો કરતાં અલગ તરી આવે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બિરાજેલા કર્ણમુક્તેશ્વર મહાદેવ ભૂતળ સપાટીથી સહેજ નીચે બિરાજમાન છે પરંતુ નીચે જતા પહેલા જ આપને પરમ શિવભક્ત એવા નંદી મહારાજ અને પાર્વતીજીના દૂરથી જ દર્શન થઈ જાય છે અને દર્શન કરતાં જ મન પ્રફુલિત થઈ જાય છે. મહાદેવજીના દર્શનાર્થે મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ શાંત અને દિવ્ય ઊર્જાનો અહેસાસ થાય છે. મુખ્ય ગર્ભગૃહની બહાર હનુમાનજી બિરાજે છે અને મંદિરમાં ગણેશજી બિરાજમાન છે.
નગર દેવતાની આભાને છાજે તેવો ભવ્ય શૃંગાર કર્ણમુક્તેશ્વર મહાદેવને કરવામાં આવે છે શ્રાવણ માસમાં ખાસ કરીને વિશેષ પુષ્પોથી સુશોભિત મહાદેવને નિહાળીને મન પ્રસન્ન થઈ ઊઠે છે. મહાદેવની વિશેષ પૂજાના દર્શનનો અનેરો મહિમા છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સૌ પ્રથમ મહાદેવને દુગ્ધાભિષેક કરવામાં આવે છે દુ્ગ્ધાભિષેક બાદ શુદ્ધ જળથી મહાદેવનો જળાભિષેક કરી શિવલિંગ પર ચંદનનું લેપન કરવામાં આવે છે ત્યારબાદ શિવજીને બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી મહાદેવજીને વિવિધ સુગંધિત પુષ્પોથી સજાવવામાં આવે છે જેના દર્શનનો લાહવો અનેરો છે. મહાદેવની વિશેષ પૂજા કર્યા બાદ મહાઆરતી અને તાંડવ આરતી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યોતિર્લિંગ પછી માત્ર આ દિવ્ય સ્થાનકે મહાદેવની તાંડવ આરતીના દર્શન કરી શકાય છે.
કર્ણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં કરવામાં આવતા રુદ્ર અભિષેક યજ્ઞ કાર્યોનો વિશેષ મહિમા છે. મંદિર પરિસરમાં દર મહિને મહામૃત્યુંજય અને મહાયજ્ઞ કરવામાં આવે છે. કર્ણમુક્તેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. અમદાવાદમાં સેકડો વર્ષોના ઇતિહાસમાં અનેકવાર રાજકીય સામાજિક અને કુદરતી અશાંતિ આવી. છતાં નથી અટકી કર્ણમુક્તેશ્વરની મહાપૂજા. આજે પણ અહીં વર્ષોથી પરંપરાગત વિધિ વિધાનોને અનુસરીને કરવામાં આવે છે શિવજીની મહાપૂજા. અમદાવાદના નગર દેવતા એવા કર્ણમુક્તેશ્વર મહાદેવનું આ દિવ્ય સ્થાનક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ઈતિહાસ હોય કે વર્તમાન મહાદેવની કૃપાથી આ દિવ્ય સ્થાનકે હંમેશાં લોકોના હૃદયમાં પોતાની અમી છાપ છોડી છે.