ઓલપાડ તાલુકાના સરોલી ગામે સાંઈનાથ મંદિર આવેલું છે. હાલ જ્યાં મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા એક સંતનો સાક્ષાત્કાર થતા આ પવિત્ર ભૂમિ પર ગ્રામવાસીઓએ સાઈબાબાનું મંદિર બનાવવાનો વિચાર કર્યો અને તેમની શ્રદ્ધા વિશ્વાસથી થયું બાબાના મંદિરનું નિર્માણ… લોકોની આસ્થાના પ્રતિક સમું સાઈબાબાનું મંદિર હાલ સાંઈનાથ પાવનધામ નામથી પ્રચલિત છે. સુરતની સરહદને અડીને આવેલુ ગામ સરોલી, જેને પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. વર્ષો પહેલા સરોલી ગામ પાસે રાત્રીના સમયે રસ્તો ભૂલી ગયેલા કારીગરોને બાબાએ અલગ વેશમાં આવીને રસ્તો બતાવ્યો હતો અને તે કારીગરો પોતાના સ્થળ પર પહોંચ્યા હતા. બીજા દિવસે સરોલી ગામના લોકોને સાઈબાબા સાક્ષાત આ સ્થળ પર આવ્યા હતા તેની જાણ થઈ એટલે ગ્રામજનોએ સાઈબાબાનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને બાબાનું નાનું મંદિર બનાવ્યુ હતુ.
ઓલપાડના સરોલી ગામમાં સાંઈનાથ મંદિર
સરોલી ગામનું સાઈબાબાનું મંદિર મહારાષ્ટ્રના શિરડી સાઈબાબા મંદિર જેવું જ બનાવવામાં આવ્યુ છે. જે લોકો બાબાના દર્શન કરવા મહારાષ્ટ્રના શિરડી જઈ શકતા નથી તે સરોલીના મંદિરે સાઈબાબાના દર્શન કરી શિરડીના મંદિરે દર્શન કર્યાનો સંતોષ માને છે. સરોલીનું સાઈમંદિર સાંઈનાથ પાવનધામ તરીકે પ્રચલિત છે. સુરત શહેરની હદ પર આવેલા સરોલી ગામે સુરતવાસી પણ દર ગુરુવારે સાંઈબાબાના દર્શન કરવા નિયમિત જતા હોય છે અને સાઈબાબા પાસે પોતાની મનોકામના માટે પ્રાર્થના કરે છે. ગ્રામજનોને સાઈબાબાના સાક્ષાત્કારની અનુભૂતિ જે સ્થળ પર થઈ હતી ત્યાં તેમણે બાબાનું નાનુ મંદિર બનાવ્યુ હતુ. સમયાંતરે મોટુ મંદિર બનાવવા માટે ગ્રામજનોએ બે વાર લકી ડ્રોનું આયોજન કર્યુ તેમાં મંદિરના બનાવવા માટે પુરતા રૂપિયા થયા નહોતા પણ જ્યારે લોકો તરફથી દાન આવવાનું શરુ થયુ એટલે મંદિર બનતું ગયું અને સાઈનાથ પાવનધામનું નિર્માણ થયું. બાબામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો નિયમિત મંદિરે આવી બાબાના દર્શન કરી મંદિરમાં કરવામાં આવતા ભજન કીર્તનમાં જોડાઈ ભક્તિના રંગે રંગાઈ શાંતિનો અનુભવ કરી ધન્ય થાય છે.
સરોલીનું સાઈમંદિર સાંઈનાથ પાવનધામ તરીકે પ્રચલિત
વર્ષે દહાડે ભાવિકો શિરડી દર્શન કરવા જતા હોય છે પણ સાથે સાથે દર ગુરુવારે સરોલીના સાઈમંદિરે પણ અચૂકથી બાબાના દર્શન કરવા આવે છે અને બાબાના દર્શન કરી ધન્ય થાય છે. હંમેશા ભુખ્યા માટે અન્નનો પ્રબંધ કરતા સાઈબાબાના સેવા કરવાના નિયમને અનુસરીને હાલ મંદિરમાં આવતા દાનમાંથી જરુરિયાતમંદ માટે અનેક પ્રકારની સેવા કરવામાં આવે છે. જેનો લાભ અસંખ્ય લોકો મેળવે છે. સુરત શહેર અને જિલ્લાના લોકો મોટી સંખ્યામાં દર ગુરુવારે સાંઈબાબાના દર્શન કરવા મંદિરે ઉમટી પડે છે. ભાવિકોની બાબામાં અતૂટ આસ્થા છે એટલે દરેક લોકો પોતાની સમસ્યાના નિવારણ માટે સાઈનાથના શરણે આવી પોતાના મનોવાંચ્છીત ફળ માટે પ્રાર્થના કરે છે અને તેને પણ બાબા ભાવિકોને આશીર્વાદ મળે છે. મંદિર પરિસરમાં તાપનાથ મહાદેવના મંદિરમાં દરરોજ શિવલિંગને ફુલોના સુંદર શણગાર કરવામાં આવે છે. મંદિરમાં પાર્વતીજી, ગણેશજી, હનુમાનજી અને બીજા અનેક દેવીદેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે. સાઈનાથ પાવનધામમાં આવતા દરેક ભાવિક ભક્તો એક જ પરિસરમાં અનેક દેવીદેવતાના દર્શન કરી મંદિરના ભક્તિમય વાતાવરણમાં શાંતિનો અનુભવ કરી સકારાત્મક ઉર્જા સાથે ઘરે જાય છે.