જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કર્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લીધો છે. હવે કોંગ્રેસ ઉમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય અને એનસીને બહારથી જ સમર્થન આપશે.
આજનો દિવસ (16 ઓક્ટોબર 2024) જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. એક તરફ આજે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લેશે, તો બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે તે ઉમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય. જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધન જીત્યું હતું.
બીજી બાજુ, કલમ 370 નાબૂદ કર્યા પછી યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનની જીત બાદ, ઉમર અબ્દુલ્લા આજે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ સવારે 11.30 વાગ્યે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે.
#WATCH | Visuals from outside Sher-i-Kashmir International Conference Centre (SKICC) in Srinagar where JKNC Vice President Omar Abdullah will take oath as the Chief Minister of Jammu and Kashmir today. pic.twitter.com/hTmaKX7mL6
— ANI (@ANI) October 16, 2024
ખડગે, રાહુલ અને પ્રિયંકા ગાંધી રહેશે હાજર
કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મંગળવારે (15 ઓક્ટોબર 2024) મીડિયાને જણાવ્યું કે ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા આજે ઓમર અબ્દુલ્લાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો કે કોંગ્રેસે મંગળવારે શપથ ગ્રહણ સમારોહ પહેલા સરકારમાં ન જોડાવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે.
શપથ ગ્રહણ સમારોહના લગભગ 3 કલાક પહેલા સરકારમાં સામેલ ન થવાના કોંગ્રેસના નિર્ણય બાદ હવે તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માત્ર એક જ મંત્રી પદ મળવાથી નારાજ હતી. કોંગ્રેસ ઓછામાં ઓછા બે મંત્રી પદ ઇચ્છતી હતી, પરંતુ અબ્દુલ્લા આ માટે સહમત ન હતા. જયારે જાણકારોનું કહેવું છે કે ભાજપ પર દબાણ લાવવા માટે કોંગ્રેસે આવું કર્યું હશે. જયારે કેટલાક લોકોનું માનવું છે કે કોંગ્રેસ નેતૃત્વ નહીં ઇચ્છતું હોય કે જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન એટલે કે માત્ર છ સીટો જીતીને રાજ્ય એકમના મોટા નેતાઓને મંત્રીપદની ભેટ મળે. એક રીતે આ કોંગ્રેસનું રાજકીય પ્રાયશ્ચિત પણ હોઈ શકે.