દેશના મોટા ભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. મોટા ભાગના રાજ્યોમાં તાપમાનમાં માત્ર 3-5 ડિગ્રી જેટલો જ ઘટાડો નોંધાયો છે. મોટા ભાગે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તાપમાન 24-26 ડિગ્રી આસપાસ રહે છે પરંતુ આ વખતે તાપમાન 26 ડિગ્રીથી નીચું જવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. આ વખતે ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયુ પાછલા દસ વર્ષમાનું સૌથી ગરમ તાપમાનવાળું રહયું છે. ઓકટોબર અને નવેમ્બર મહિનામાં વરસાદ ના થવાને લીધે ઠંડીની શરૂઆત મોડી થઈ રહી છે. તો આગામી 12-15 ડિસેમ્બર પછી ઠંડી પાડવાની શક્યતા રહેલી છે. ઠંડી માટે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વરસાદ થાય એ જરૂરી છે. આ વખતે પશ્ચિમથી ફૂંકાતા પવનોની અસર ઉત્તર ભારત પર નથી થઈ રહી અને એટલે જ આ વિસ્તારોમાં હજુ ઠંડીનું આગમન થયું નથી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળમાં ગંગા તળેટીના વિસ્તારો, બિહાર, પંજાબ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આંધપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં માત્ર સામાન્યથી માત્ર 3-5 ડિગ્રી ઘટ્યું છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં તાપમાન ઘટ્યું
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી 5-3 ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. તો પૂર્વીય ઉત્તર પ્રદેશના અલગ અલગ વિસ્તારો જેવા કે આસામ અને મેઘાલય તથા સૌરાષ્ટ્ર, કચ્છ, કોંકણ અને ગોવામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી માત્ર 1-3 ડિગ્રી ઓછું થયું છે. આગામી 5 દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી.
આગામી 3 દિવસોમાં મધ્ય ભારતનું વધશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસોમાં મધ્ય ભારતમ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી વધારો થવાની સંભાવના છે. દિલ્હી અને NCRના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો થયો છે. દિલ્હીમાં અધિકતમ તાપમાન 24-27 અને લઘુતમ તાપમાન 10-13 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું.
સૌથી વધુ તાપમાન 34.6 ડિગ્રી
ગત સોમવારે કર્ણાટકના તટ વિસ્તારમાં સૌથી વધુ એટલે કે અધિકતમ તાપમાન 34.6 ડિગ્રી નોંધાયું હતું જે દેશમાં ડિસેમ્બર મહિનાનું સૌથી વધુ તાપમાન છે તો પશ્ચિમ મધ્ય પ્રદેશના નૌગાંવમાં સૌથી ઓછું એટલે કે 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.