12 નવેમ્બર 2024ના રોજ દેવઉઠી એકાદશી છે. આ તહેવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જે દર વર્ષની કારતક માસના શુક્લ પક્ષની અગિયારસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે સાંજે ઘર અને મંદિરમાં થાળી વગાડવાની પરંપરા છે. પરંતુ દેવઉઠી એકાદશીએ આવું કેમ કરવામાં આવે છે? તેની પાછળ માન્યતા શું છે તે અહીંયા આપણે જાણીશું.
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર, અષાઢ શુક્લ એકાદશીના રોજ યોગ ભગવાન વિષ્ણુ નિદ્રામાં જતા રહે છે અને ચાર મહિના સુધી આ અવસ્થામાં રહે છે. આ સમયગાળા દરમિયાન, સૃષ્ટિનુ સંચાલન ભગવાન શિવના હાથમાં હોય છે. કાર્તિક શુક્લ એકાદશીએ ઘરો અને મંદિરોમાં થાળી વગાડીને અથવા સૂપડું પીટીને ભગવાન વિષ્ણુને જગાડવાની પરંપરા છે. ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી ક્ષીરસાગરમાં સૂઈ જાય છે અને પછી દેવોત્થાન એકાદશીના રોજ જાગે છે.
દેવઉઠી એકાદશી ક્યારે છે?
આ વર્ષની દેવઉઠી એકાદશી કારતક માસની 11મી નવેમ્બરે સાંજે 6.46 વાગ્યાથી 12મી નવેમ્બરના રોજ સાંજે 04.04 વાગ્યા સુધી રહેવાની છે. ઉદયા તિથિના કારણે દેવુથની એકાદશી 12 નવેમ્બર મંગળવારના રોજ મનાવવામાં આવશે.
ભગવાનને જગાડવાની વિધિ
ચાતુર્માસના ચાર મહિના દરમિયાન વિષ્ણુ ભગવાન નિંદ્રામાં રહે છે. આ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવાની મનાઈ છે. દેવઉઠી એકાદશીના દિવસે પૂજા સ્થાનની પાસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. તેમને ફૂલ, ફળ, મીઠાઈ વગેરે અર્પણ કરો. તમે દિવાલ પર ભગવાન વિષ્ણુની તસવીર પણ બનાવી શકો છો. તેમની સામે દીવો પ્રગટાવો. ત્યાર બાદ થાળી વગાડીને કે સૂપડું પીટીને ભગવાનને જગાડો.
શુભ, માંગલિક કાર્યોની શરૂઆત
દેવઉઠી એકાદશીની સાથે જ લગ્ન, ગૃહસ્કાર, મુંડન વગેરે જેવા કાર્યોની શરૂઆત થાય છે. દેવઉઠી એકાદશીના દિવસે માતા તુલસી અને શાલિગ્રામજીના વિવાહ થાય છે. આ દિવસે ઘરોમાં ચોખાના લોટથી ચોક બનાવવામાં આવે છે અને શેરડીનો મંડપ બનાવીને ભગવાન વિષ્ણુની અર્ચના કરવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સુખ,સંપત્તિ આવે છે. આ દિવસે તુલસીના છોડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.