ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. અત્યાર સુધી મુખ્યમંત્રી રહેલા એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ હશે અને પહેલાની જેમ અજિત પવાર પણ ડેપ્યુટી સીએમ રહેશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે સોમવારે ભાજપ હાઈકમાન્ડે ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. ભાજપના ટોચના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી પણ આ માટે સહમત છે. ભાજપના એક નેતાએ કહ્યું કે ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ NCP અને શિવ શિવસેનાને મોકલવામાં આવ્યો છે, જેના પર તેઓ સંમત થયા છે.
ફડણવીસ બીજી વાર બનશે સીએમ
2014માં, ફડણવીસ સીએમ બન્યા અને પાંચ વર્ષની મુદત પૂરી કરી હતી. તે સમયે ભાજપ અવિભાજિત શિવસેના સાથે ગઠબંધનમાં હતું. 2019ની વિધાનસભા ચૂંટણી પછી, ફડણવીસના નેતૃત્વવાળી ભાજપે અજિત પવાર સાથે હાથ મિલાવ્યા. ફડણવીસે સીએમ તરીકે અને પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા પરંતુ સરકાર લગભગ 80 કલાક સુધી ચાલી હતી કારણ કે અજીત તેમના કાકા અને વર્તમાન એનસીપી (એસપી) વડા શરદ પવાર પાસે પાછા ગયા હતા.