ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો જુદા જુદા તાર ખુલી રહ્યાં છે. તો બીજી તરફ કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને યુ એન મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.
નિષ્ણાંત તબીબોના કહ્યા મુજબ તપાસ થશે : RMO
ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે U N મેહતા હોસ્પિટલના RMO દુષ્યંત ભટ્ટએ જણાવ્યું કે, હાલ 15 દર્દીઓ આવ્યા છે. કાર્ડીલોજિસ્ટ હેઠળ સારવાર ચાલી રહી છે. વધુમાં કહ્યું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તમામને લાવવા આવ્યા છે. અત્યારે દર્દીઓની પ્રાથમિક તપાસ થશે તેમજ નિષ્ણાત ડોક્ટરના કહ્યા મુજબના ટેસ્ટ થશે. 1 દર્દીને શ્વાસની તકલીફ છે સારવાર ચાલુ છે. 14 દર્દીઓની હાલત અત્યારે સારી છે. દર્દીઓને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી કે કેમ તે મામલે તપાસ થશે, જેને લઈ તમામ દર્દીઓને રિપોર્ટ રાજ્ય સરકારને મોકલાશે
આ ઘટનાની કાયદાકીય તપાસ થવી જોઈએ: મેડિકલ કાઉન્સિલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટનાને ગુજરાત મેડિકલ કાઉન્સિલે દુખદ ગણાવી છે. મેડિકલ કાઉન્સિલના સભ્ય ડોક્ટર મેહુલ શાહે વીટીવી સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે તેની ગંભીર નોંધ લીધી અને સુઓમોટો લઈને તાત્કાલિક ધોરણે તેને નોટિસ પાઠવી છે. જવાબદાર ડોક્ટર કે સંસ્થાના પ્રતિનિધિ સામે શોકોઝ નોટિક જાહેર કરી છે. કસુરવાર જણાતા દરેક સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે તેવી ખાતરી ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્યએ આપી. વધુમાં તેમણે કહ્યું કે, આ સંસ્થાના રજિસ્ટ્રેશનની પણ માળખાકીય તપાસ માટે સરકારી વિભાગને રજૂઆત કરવામાં આવશે.
