છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં લોકોજીવ ગુમાવી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે તો હવે ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે
22 વર્ષીય યુવતીનું હાર્ટઅટેકથી મૃત્યુ
બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતી ગરબા રમીને ઘરે આવી પછી સવારે ઉઠી જ નહીં. યુવતીને પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરએ દીકરીને મૃત જાહેર કરી હતી. યુવતીને રાત્રી દરમિયાન હાર્ટ અટેક આવતા મૃત્યુ થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આપને જણાવી દઈએ કે, યુવતી ફાર્મસીનો અભ્યાસ કરતી હતી
ગઈકાલે ભૂજમાં પેટ્રોલપંપના મેનેજરનું હાર્ટ એટેકથી મોત
આપને જણાવી દઈએ કે, ગઈકાલે રવિવારે ભુજમાં પેટ્રોલપંપના મેનેજરનું હાર્ટ એટેકથી મોત થયાની વિગતો સામે આવી હતી. શહેરના ભીડ ગેટ પરના પેટ્રોલપંપ પર સાલેમહમ્મદ સમા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. સાથી કર્મચારીએ સાલેમહમ્મદને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.
હાર્ટ એટેક આવવાના શું કારણો છે?
હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણો વિશે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.