મહારાષ્ટ્રમાં મહાયુતિની મહાજીત બાદ હવે ચારેકોર એક જ ચર્ચા છે કે, મુખ્યમંત્રી કોણ બનશે ? મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ના પરિણામો પછી 26 મી નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા વિના સરકાર રચાય. આ માટે આજે 25મી નવેમ્બરે CM પદ માટેનો ચહેરો નક્કી કરવાની સાથે નવા CMને પણ શપથ લેવાના છે. આવી સ્થિતિમાં રાજભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આજે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવાર દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એક ફરી CM બની શકે છે. આ ઉપરાંત અઢી વર્ષની CM ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જ્યારે એકનાથ શિંદેને રાજ્યના CMની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ પછી જ્યારે ભાજપનો વારો છે ત્યારે આ જવાબદારી સરકારના કોઈપણ કેબિનેટ મંત્રી અથવા ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને સોંપવામાં આવી શકે છે.
સૂત્રોનું માનીએ તો એક CM અને 2 ડેપ્યુટી CMની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. સાથે જ સીટોના આધારે કેબિનેટમાં હિસ્સો આપવાનો મામલો પણ સામે આવ્યો છે. મહાયુતિ પક્ષોમાં દરેક 6-7 ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ ભાજપના 22-24 ધારાસભ્યો, શિંદે જૂથના 10-12 અને અજીત જૂથના 8-10 ધારાસભ્યો મંત્રી બની શકે છે. તમને જણાવી દઈએ કે, શનિવારે જાહેર થયેલા પરિણામોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને 230 બેઠકો મળી છે. જેમાં ભાજપને 132, શિવસેના શિંદેને 57 અને NCP અજિત પવારને 41 બેઠકો મળી હતી.