IPL 2025 પહેલા યોજાનારી મેગા ઓક્શન થવાને હવે થોડો સમય જ બાકી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ કેટલાક ખેલાડીઓ પર મોટી કાર્યવાહી કરીને બેન લગાવી દીધો છે. નોંધનીય છે કે, મેગા ઓક્શનનું રવિવાર (24 નવેમ્બર) અને સોમવારે (25 નવેમ્બર) સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં આયોજન કરવામાં આવશે.
BCCIએ સૌને ચોંકાવી દીધા
બીસીસીઆઈએ IPL 2025ના મેગા ઓક્શન પહેલા મોટો નિર્ણય લઈને ત્રણ ખેલાડીઓને ચોંકાવી દીધા છે અને તેમની બોલિંગ એક્શનને શંકાસ્પદ યાદીમાં સામેલ કરી છે. આમાં સૌથી મોટું નામ લખનઊ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર દીપક હુડાનું છે. આ ઉપરાંત બોર્ડે મનીષ પાંડે અને શ્રીજીત કૃષ્ણનને બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે સૌરભ દુબે, કેસી કરિઅપ્પા અને હુડ્ડા તેમની એક્શન માટે તપાસ હેઠળ છે.
ખેલાડીઓને મેગા ઓક્શનમાં થશે અસર
આશ્ચર્યની વાત એ છે કે આ તમામ બોલરો મેગા ઓક્શનનો ભાગ છે. આવી સ્થિતિમાં, BCCIની આ કાર્યવાહીથી આ ખેલાડીઓને મેગા ઓક્શનમાંથી મળેલી રકમ પર પણ અસર પડશે. મનીષ અને શ્રીજીત ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનનો ભાગ છે. આ બંને ખેલાડીઓની એક્શન પર પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ હવે BCCIએ તેમની બોલિંગ પર બેન લગાવી દીધો છે.
કેટલી છે આ ખેલાડીઓની બેઈઝ પ્રાઈઝ
એલએસજી તરફથી રમનાર હુડ્ડાએ મેગા ઓક્શન માટે પોતાની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા રાખી છે, જ્યારે મનીષ પાંડેએ પણ તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા રાખી છે. આ સિવાય સૌરભ દુબે, શ્રીજીત કૃષ્ણન અને કેસી કરિયપ્પા અનકેપ્ડ ખેલાડીઓ તરીકે આ ઓક્શનમાં એન્ટ્રી કરશે. આ ત્રણેય ખેલાડીઓની બેઈઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા છે.
BCCIએ મેગા ઓક્શનનો સમય બદલ્યો
આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓના ખિસ્સા ભરી શકે છે, જ્યાં તેના પર પૈસાનો વરસાદ થઈ શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં મેગા ઓક્શનના સમયમાં ફેરફાર કર્યો છે, જે બાદ તે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. બોર્ડે આ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝને કારણે કર્યું છે. બીસીસીઆઈએ વૈશ્વિક પ્રેક્ષકોને આવકારવા અને ઇવેન્ટ માટે મહત્તમ દર્શકોની ખાતરી કરવા માટે આ કર્યું છે.