મેલબોર્ન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કેપ્ટન રોહિત શર્મા રહ્યો નિષ્ફળ. હવે રોહિત શર્મા પર ઊઠી રહ્યા છે, નિવૃત્ત થવાના પ્રશ્નો. શું રોહિત શર્મા હવે સફેદ જર્સીમાં મેદાન પર પરત ફરશે કે પછી લેશે નિવૃતિ? ટેસ્ટ ક્રિકેટમાં રોહિતની સતત નિષ્ફળતાએ તેને હવે ચિંતામાં મૂકી દીધો છે. તે એકવાર ફરી મેલબોર્ન ટેસ્ટમાં સારી ઇનિંગ્સ ન રમી શક્યો.
શું રોહિત શર્મા ટેસ્ટમાંથી સંન્યાસ લેશે?
સૌથી મોટો સવાલ એ છે કે, શું મેલબોર્ન ટેસ્ટ રોહિત શર્માની છેલ્લી ટેસ્ટ હશે? શું રોહિત શર્મા સિડનીમાં આગામી ટેસ્ટ નહીં રમે? આ એવા પ્રશ્નો છે, જેના જવાબો મેલબોર્ન ટેસ્ટના પરિણામોમાં છુપાયેલા છે. જો ભારત મેલબોર્ન ટેસ્ટ જીતે છે, તો શક્ય છે કે રોહિત સિડનીમાં પણ કેપ્ટનશિપ કરતો જોવા મળે. પરંતુ, જો મેચ હારી ગયા તો સિડની ટેસ્ટમાં તેનું રમવું મુશ્કેલ બની શકે છે અને બુમરાહને મળી શકે છે ‘કેપ્ટન’ની કમાન. ચીફ સિલેક્ટર અજીત અગરકર ઓસ્ટ્રેલિયામાં હાજર છે અને તેઓ હવે નક્કી કરી શકશે કે, રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી અંગે શું નિર્ણય લેવો.
BGT માં સરેરાશ 6.20
રોહિત શર્માએ 3 ટેસ્ટની 5 ઇનિંગ્સમાં 6.20ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા છે. જ્યારે બીજી બાજુ બુમરાહે 30 વિકેટ લીધી છે. જોઈ શકાય છે કે, રોહિતે બુમરાહની વિકેટ જેટલાં જ રન કર્યા છે. છેલ્લી 15 ઇનિંગ્સની વાત કરીએ તો રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. રોહિતે છેલ્લી 15 ટેસ્ટ ઇનિંગ્સમાં 10.93ની એવરેજથી માત્ર 164 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 23 રન છે. ભારતીય કેપ્ટન છેલ્લી 15 ઇનિંગ્સમાં અડધી સદી પણ ફટકારી શક્યો નથી.
રોહિત શર્માની બેટિંગ ચોક્કસપણે નિષ્ફળ રહી છે અને કેપ્ટનશિપમાં પણ હવે ચૂક થઈ રહી છે. એડિલેડમાં રોહિતે કેપ્ટનશિપની કમાન સંભાળી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ રોહિતની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા હતા, જ્યારે ભારતને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા ચોક્કસપણે રોહિત શર્મા પર નિવૃત્તિને લઈને ઘણા પ્રશ્નો ઊભા થશે. હવે જોવાનું રહેશે કે, મેલબોર્ન ટેસ્ટના પરિણામ પછી રોહિત શર્માની અને ભારતીય ફેન્સની શું પ્રતિક્રિયા બહાર આવશે.