બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જસરા ગામે વર્ષો જૂનું ચમત્કારિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એક લોકવાયકા મુજબ આ મંદિર પાંડવકાળ સાથે જોડાયેલુ છે. મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળેનાથની મૂર્તિની પાંડવોએ સ્થાપના કરી હતી. દર મહાશિવરાત્રીએ મંદિરે મહાપ્રસાદમાં એક હજાર મણ શિરો અને બટાટાની સુકી ભાજી બનાવવામાં આવે છે. લોકો દૂરદૂરથી મહાદેવજીના મંદિરે દર્શનાર્થે આવે છે. અને મહાપ્રસાદનો લાભ લે છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે. જિલ્લામાં સૌથી વધુ ભગવાન ભોળાનાથના મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે રોચક ઇતિહાસ જોડાયેલો છે. પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અનેક સ્થળોએ ભગવાન શંકરની મૂર્તિઓની સ્થાપના કરેલી છે જે આજે પણ જોવા મળે છે. લાખણી તાલુકાના જસરા ગામે પૌરાણિક બુઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ મંદિર હજારો વર્ષ પહેલા પાંડવો જ્યારે આ સ્થળ જસરા ગામે રોકાયા હતા. ત્યારે તેમણે મહાદેવના મંદિરની સ્થાપના કરી હતી. અને જ્યાં સુધી પાંડવો જસરા ગામે રોકાયા હતા ત્યાં સુધી પથ્થરની બનાવેલી ભગવાન ભોળાનાથની મૂર્તિની પૂજા કરી હતી.
બનાસકાંઠાના જસરા ગામે બિરાજમાન બુઢેશ્વર મહાદેવ
વર્ષો પછી પણ આ ગામે એક નાનકડું મંદિર બનાવી પાંડવો વખતની ભગવાન ભોળાનાથની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવતી હતી. સમયાંતરે ગામ લોકોએ નાનકડા મંદિરને મોટું બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. નાનકડા ગામની વચ્ચોવચ આવેલા ભોળાનાથના મંદિરે અનેક લોકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. લોકોને મહાદેવજીના આ મંદિરની પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. ગામના લોકોનું કોઈપણ પશુ બીમાર પડે તો મંદિરે આવી દૂધનો અભિષેક કરવામાં આવે છે અને પશુ બિમારીમાંથી મુક્ત થાય છે. જ્યારે કેઈ બાળક બિમાર થાય છે ત્યારે મંદિરે આવી ગોળ અને પ્રગટતું નારિયેળ મૂકવાની આસ્થા લોકોમાં રહેલી છે. ભગવાન ભોળાનાથના મંદિરે બનાસકાંઠા જિલ્લામાંથી જ નહીં પરંતુ સમગ્ર રાજ્યભરમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામના પણ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે.
બુઢેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ
લાખણીના જસરા ગામે આવેલા બુઢેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ ગામમાં છેલ્લા 14 વર્ષથી મોટો અશ્વ મેળો યોજાય છે. જેમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી અનેક પ્રકારના અશ્વો લઈ લોકો આવે છે. અશ્વ મેળાને નિહાળવા આવતા લાખો લોકો આવે છે. અને ગામના બુઢેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્ય થાય છે. જસરા ગામના લોકો બુઢેશ્વર મહાદેવના મંદિરે દર્શને આવતા લોકો માટે મહાપ્રસાદ બનાવે છે. મહાપ્રસાદમાં દર વર્ષે એક હજાર મણ શિરો અને બટાટાની સુકી ભાજી બનાવવામાં આવે છે. લાખોની સંખ્યામાં આવતા લોકો આ મહાપ્રસાદનો લાભ લઈ આનંદનો અહેસાસ કરી ધન્ય થાય છે. જસરા ગામે આવેલ બુઢેસ્વર મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. દૂરદૂરથી લોકો બુઢેશ્વર મહાદેવની માનતા રાખવા આવે ત્યારે એક શ્રીફળ મૂકે છે. અને જ્યારે તેમની માનતા પુર્ણ થાય ત્યારે પાંચ શ્રીફળનું તોરણ ચડાવે છે. જો કોઈને પણ ચામડીનો રોગ હોય તો તે લોકો 7 સોપારી શિવજીને અર્પણ કરે છે અને ભગવાન ભોળાના આશીર્વાદથી ચામડીના રોગ પણ દૂર થઈ જાય છે. ગામમાં જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં નવો બોર બનાવે તો તેનું પહેલું પાણી શિવજીના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. પશુના પહેલા દૂધથી મંદિરે બિરાજમાન બુઢેશ્વર મહાદેવના શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. જેને વર્તમાનમાં પણ ગામના લોકોએ જાળવી રાખી છે.