પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં સુંદર રમણીય પહાડીઓ વચ્ચે દેવપુરા ગામ આવેલું છે. ગામની નજીક મહાદેવજીનું 250 વર્ષોથી પણ પહેલાનું અલૌકિક મંદિર આવેલું છે. મંદિરમાં દૂધનાથ મહાદેવ બિરાજમાન છે. મંદિરે આવતા ભાવિકો મહાદેવજીને દૂધની માનતા માને છે. અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં દેવપુરા ગામ નજીક આવેલું મહાદેવજીનું 250 વર્ષ જૂનું મંદિર અદભૂત અને અલૌકિક છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર સુંદર અને રમણીય છે. વર્ષો જૂના વૃક્ષોની વચ્ચે ગોમા નદીના પટ્ટમાં મહાદેવજીનું આ મંદિર આવેલું છે. વર્ષો પહેલા ગોમા નદીના પટમાં દેખાતા પથ્થરોથી લોકો આજીલો ગાજીલો રમત રમતા હતા. તેમાં એક પથ્થર શિવલિંગ આકારનો લાગતા અને તે પથ્થર સ્થાયી થઈ જતા ગામલોકો તેની પૂજા અર્ચના કરવા લાગ્યા હતા.
કાલોલના દેવપુરા ગામે બિરાજમાન દૂધેશ્વર મહાદેવ
અંદાજિત 200 વર્ષ પહેલા ભૈરવગીરી મહારાજે તે સ્થાયી પથ્થર એટલે કે શિવલિંગની સ્થાપના કરી હતી અને પછી લોકો દૂરદૂરથી દર્શન કરવા આવવા લાગ્યા હતા. શિવલિંગની પૂજા અર્ચના કરતા લોકો પૂજામાં મગ્ન થઈ જાય તેવો શિવલિંગનો મહિમા છે. મહાદેવજીના મંદિરે આવી લોકો દૂધની બાધા માને છે. અને તે ભાવિકોને મહાદેવજીના આશીર્વાદ અચૂકથી મળે છે. એક માન્યતા પ્રમાણે આ મંદિરના શિવલિંગમાં સ્વયંમ મહાદેવનો વાસ છે અને જે ભાવિકો સાચી શ્રદ્ધાથી મહાદેવજીનું ધ્યાન ધરે છે તેમને શિવલિંગમાં ઓમના નિશાનના પણ દર્શન થાય છે. વર્ષોથી મંદિરમાં નાગદેવતાનો પણ વાસ છે. સુંદર શિવલિંગ જમીનથી દોઢ ફૂટ ઊંડે આવેલું છે. મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ બિરાજમાન હનુમાનજીના દર્શન થાય છે. અને ડાબી બાજુ ગણેશજી દર્શનીય છે.
રાજ્યના દરેક ખૂણેથી ભક્તો આવે છે
મંદિર ઘણા સંતો મહંતો મંદિરે આવીને પૂજા કરે છે ત્યારે આ મંદિરમાં ત્રણ સંત સેવા આપી ચૂક્યા છે અને તેની સમાધિ પણ મંદિરની આજુબાજુમાં જ બનાવવામાં આવી છે. છેવાડાના ગામે આવેલા આ મંદિરમાં આવી અનેક ભાવિકો માનતા માને છે. મંદિર પાસે સ્થાનિક લોકો બિલીના ઝાડનું વાવેતર કર્યું છે. જે બિલીના ઝાડમાંથી મહાદેવને અર્પણ કરવા બિલી લેવામાં આવે છે. સવાર સાંજ મહાદેવના મંદિરમાં આરતીના સમયે સ્થાનિક લોકો જોડાઈ ધન્યતા અનુભવે છે. દુધેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. આ ઉત્સવમાં અનેક ભક્તો શ્રદ્ધા ભેર મહાદેવજીના દર્શન કરવા આવે છે. રાજ્યના દરેક ખૂણેથી આવતા ભાવિક ભક્તો મંદિરે આવી પોતાની માનતા મહાદેવજી સમક્ષ વ્યક્ત કરે છે. અને વિદેશમાં વસતા લોકો જ્યારે પોતાના વતનમાં આવે છે ત્યારે દૂધેશ્વર મહાદેવના મંદિરે અચૂક દર્શન કરવા આવે છે અને તેમના મનોવાંચ્છિત ફળ પૂર્ણ થાય છે ત્યારે મહાદેવને દૂધ અર્પણ કરી તેમનો આભાર વ્યક્ત કરે છે.