સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુંવારદા ગામે મહાદેવજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર એટલે ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર. કુંવારદા તથા આજુબાજુના ગ્રામજનો અહિં મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે અહીં મંદિરની સામે જ ગંગા જમના નદીના કુંડ આવેલા છે. એક લોકવાયકા મુજબ આ કુંડનું પાણી અત્યાર સુધી એક પણ વાર સુકાયું નથી. અને આમાં પાણીનો સંગ્રહ કરવાથી તે બિનઉપયોગી પણ થતું નથી.
ભાવિક ભક્તો મંદિરે આવી કુંડમાં સ્નાન કરી અથવા હાથપગ ધોઈ ધન્યતા અનુભવે છે. માટે આ મંદિર ગંગાજી મંદિરના નામથી પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે બે કુંડ હોય અને સ્મશાન હોય એવા દેશમાં ફક્ત ત્રણ જ મંદિર આવેલા છે. એક મંદિર કલકત્તામાં બીજુ કાશીમાં અને ત્રીજું કુંવારદામાં આવેલુ ઓમકારેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવેલો છે.
વર્ષો પહેલા વણઝારાઓ દેશમાં અલગ અલગ જગ્યાએ વસવાટ કરતા હતા. વણઝારાના સમુહના લાખા વણઝાણાને દરરોજ મહાદેવજીને પાણી ચડાવવાની ટેક હતી. ઓમકારેશ્વર મહાદેવને પાણી ચડાવવામાં એકવાર તેમનું પાણી ખૂટી ગયું એટલે લાખા વણઝારાએ મહાદેવજીને પ્રાર્થના કરી હતી ત્યારે એક રાત્રે મહાદેવજીએ લાખા વણઝારાને સ્વપ્નમાં આવી તેની ગંગા નદીમાં ખોવાયેલી હતી એ લોટી અહીં ખોદકામ કરવાથી મળી જશે અને ગંગા નદીનું પાણી પણ મળશે. બીજે દિવસે લાખા વણઝારાએ સ્વપ્નમાં દર્શાવેલી જગ્યાએ ખોદકામ કરતા ગંગા નદીના કુંડના પાણી મળ્યા હતા અને પોતાની ખોવાયેલી લોટી પણ મળી હતી.
લાખા વણઝારાએ ગંગા નદીનું પાણી લોટી વડે મહાદેવજીને અર્પણ કર્યું હતું. સાથે જ અન્ય જગ્યાએ પણ ખોદકામ કરતાં ત્યાં જમના નદીના કુંડનું પાણી મળી આવ્યું હતું, કહેવાય છે કે જે લોટી મળી હતી તે લોટીના આકાર પણ કુંડની અંદર જોવા મળે છે. મહાદેવજીના મંદિરની સામે જ સ્મશાન આવેલું છે. જે વ્યક્તિના અગ્નિસંસ્કાર મહાદેવજીના મંદિરની સામેના સ્મશાનમાં કરવામાં આવે છે તેને મોક્ષ મળવાની લોકવાયકા છે
તાપી પુરાણમાં ઉલ્લેખ પામેલા આ મંદિરમાં ભક્તો મહાદેવજીના શરણે પોતાની મનોકામનાઓ લઈને આવે છે અને મહાદેવજી દરેક ભાવિકોની તમામ પૂર્ણ પણ કરે છે. દર સોમવારે ભાવિક ભક્તો મહાદેવજીના દર્શને આવે છે. પણ શ્રાવણ માસમાં દૂરદૂરથી મોટી સંખ્યામાં ભક્તજનો મહાદેવજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્ય થાય છે. મહાદેવજીના જૂના મંદિરનો શિવકથા કરી તેમાંથી આવેલા દાન દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મહાદેવજીના ત્રણ સોમવાર દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થવાની લોકવાયકા છે
ઘણા ભાવિકો શ્રાવણ માસમાં મહાદેવજીના દર્શન કરવા પગપાળા મંદિરે આવે છે કુંવારદા ગ્રામ પંચાયતે ભાવિકો માટે જૂના કાચા માર્ગને હાલ ડામરનો રોડ બનાવી નવી વ્યવસ્થા કરી છે. એટલે મહાદેવજીના દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરવા મંદિરે પહોંચી શકે છે મહાદેવજીના મંદિરની સામે ગંગા જમના કુંડ અને સ્મશાન આવેલા હોવાથી આ મંદિરની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે એટલે લોકો દૂરદૂરથી મહાદેવજીના દર્શન કરવા આવે છે. અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જાનો સંચાર કરી ઘરે જાય છે.