લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં સલમાન ખાનની ખાસ નજીકના ગણાતા બાબા સિદ્દિકીની હત્યા બાદ કથિત રીતે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તે હત્યાની જવાબદારી લીધી છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર ભારતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. વાસ્તવમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ શૂટરોની પંજાબ અને અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટરો પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.
NIAની લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કાર્યવાહી
આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કાર્યવાહી કરી હતી. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે.
અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ફોજદારી કેસ
વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો. અનમોલ બિશ્નોઈ કથિત રીતે તેના સ્થાનો બદલતા રહે છે અને તે ગયા વર્ષે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી છે. અનમોલને 7 ઓક્ટોબર 2021ના રોજ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં પણ નામ સામે આવ્યું
આ તરફ બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, શૂટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાની શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી. અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. NCP નેતા બાબા સિદ્દીકીની દશેરાની રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 11 લોકોની ધરપકડ કરી છે.