પ્રયાગરાજમાં યોજાઈ રહેલ મહાકુંભ સતત ચર્ચામાં રહે છે. અહીંયા દેશ વિદેશથી અનેક લોકો આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. અહીંયા બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બની ત્યારે ખૂબ સમાચારમાં બન્યા હતા. હવે મમતા બાદ આ યાદીમાં વધુ એક હસીનાનું નામ સામેલ થઈ રહ્યું છે. આ સુંદરીએ બોલિવૂડની લાઈફ છોડવાનો નિર્ણય લીધો છે. તેને એક્ટિંગ છોડી આધ્યાત્મિકતાની રાહ પસંદ કરી છે. ચાલો જાણીએ કે તે કોણ છે?
રહી ચૂકી છે મિસ ઈન્ડિયા
આપણે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે અગાઉ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઈન્ડિયા રહી ચૂકેલી ઈશિકા તનેજા છે. ઇશિકા હવે સનાતની શિષ્યા બની ગઈ છે અને તેને દીક્ષા પણ લીધી છે. ઇશિકાએ દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધી છે. ઇશિકા હવે શ્રી લક્ષ્મી બની ગઈ છે. ઈશિકાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ભગવા વસ્ત્ર પહેરીને સનાતનનો પ્રચાર કરતી જોવા મળી રહી છે.
આ ફિલ્મમાં દેખાઈ ચૂકી છે
મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં ‘પોપ્યુલારિટી અને મિસ બ્યુટી વિથ બ્રેઈન્સ’નો ખિતાબ જીતનારી ઈશિકા તનેજા 2017માં આવેલી ફિલ્મ ‘ઈન્દુ સરકાર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના રોલના કારણે ઇશિકા ચર્ચામાં આવી હતી. તેને રાષ્ટ્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ સિવાય વર્ષ 2014માં ઇશિકાએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ પણ જીત્યો હતો. તેને વિક્રમ ભટ્ટની મિની-સિરીઝ ‘હદ’ (2017) માં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈશિકાએ મહાકુંભમાં ડૂબકી લગાવી હતી અને કહ્યું હતું કે મહિલાઓએ ‘ટૂંકા કપડાં પહેરીને નાચવું ન જોઈએ.’ તેનું માનવું છે કે જીવનમાં સાચી શાંતિ આધ્યાત્મિકતાને અપનાવવાથી આવે છે.