દિવાળીનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. દિવાળીના દિવસે દરેક ઘરે દીવા પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. શાસ્ત્રોમાં માટીના દીવાને તેજ, શૌર્ય અને પરાક્રમનો પ્રતિક માનવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ પરથી અયોધ્યા પાછા આવ્યા હતા, ત્યારે અયોધ્યાવાસીઓએ માટીના દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. દિવાળી પર માટીના દીવા પ્રગટાવવા પાછળ ધાર્મિક મહત્વ પણ છે.
કેમ પ્રગટાવીએ છીએ માટીના દીવા?
માટીના દીવા પ્રગટાવવા પ્રકૃતિની માટે તો અનુકૂળ છે જ પરંતુ તેની સાથે સુખ-સમૃદ્ધિ અને શાંતિ પણ આવે છે. આ ભ્રમાંડ જળ, વાયુ, આકાશ, અગ્નિ અને ભૂમિ એમ પાંચ તત્વોથી બન્યું છે. માટીનો દીવો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. માટીના દીવા વર્તમાનનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે તેમાં બળતી જ્યોત ભૂતકાળનું પ્રતીક છે.
દીવાનો મંગળ અને શનિ ગ્રહ સાથે સંબંધ
દીવાના પ્રકાશને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે દીવા પ્રગટાવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માટીને મંગળ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે અને તેલને ન્યાયના દેવતા શનિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે દીવો પ્રગટાવવાથી મંગળ અને શનિની અનુકૂળ દ્રષ્ટિ જળવાઈ રહે છે, જેથી જીવનમાં પ્રગતિ, સુખ અને સૌભાગ્ય મળે છે.
દીવો પ્રગટાવવાની પરંપરા
દિવાળીના દિવસે દરેક ઘરે દીવા પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. ઘણા ધર્મગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે. નિષ્ણાતો જણાવે છે કે દિવાળીનો તહેવાર પણ પોતાનું ધાર્મિક, આધ્યાત્મિક અને સંકૃતિક મહત્વ રાખે છે. પ્રકાશનો આ પર્વ આપણને શીખવે છે કે માત્ર બહારથી જ નહીં પણ આપણા મનની અંદરથી પણ પ્રકાશ બનાવવો જરૂરી છે. જો કે, આ પ્રકાશ એવા દીવામાંથી હોવો જોઈએ જેનું દિવાળીના તહેવારમાં ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ હોય.
ઝગઝગાટમાં પાછળ છૂટતા પ્રાચીન રીતરિવાજ
આધુનિકતાની ઝગમગાટમાં આપણા પ્રાચીન રીતરિવાજો પાછળ પડી રહ્યા છે. જોકે માટીના દીવાનું તેજ હાલ પણ જળવાઈ રહ્યું છે. દિવાળી પર મોટા પ્રમાણમાં દીવા ખરીદવામાં આવે છે. દિવાળીમાં ભલે ગમે તેટલી ઇલેક્ટ્રિક ચીજો ખરીદવાની માટીના દીવાનું મહત્વ કઈ ઘટતું નથી.