ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે, તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે
ગુજરાતના રાજકારણમાં નવી જૂની થવાના એંધાણ સર્જાયા છે. કારણ કે, ભાજપના તમામ ધારાસભ્યોને કમલમનું તેડું આવ્યું છે. તમામ ધારાસભ્યોને પત્રો દ્વારા જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે સ્નેહમિલન કાર્યક્રમ યોજાવાનો છે. જે સ્નેહમિલન કાર્યક્રમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.
ભાજપના તમામ ધારાસભ્યોને તેડું
રાજ્ય સરકાર ફરી એકવાર એક્શન મોડમાં આવી છે અને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આવતીકાલે રવિવાર હોવા છતા પણ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક મહત્વની અને મોટી જાહેરાત પણ થવાની શક્યતાઓ છે. ત્યારે હવે ભાજપના ધારાસભ્ય દળોની પણ કમલમ ખાતે મંગળવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ફરી રાજકીય ગલીયારીઓમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
ભાજપની નવી તૈયારીઓ ?
રાજકીય સૂત્રો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તેના પહેલા નવા પ્રદેશ ભાજપ પ્રમુખ પણ ગુજરાત ભાજપને મળી શકે છે. સાથો સાથે કેટલાક ભાજપના રાજ્ય સ્તરના હોદ્દાઓ અને નવી જવાબદારીઓ પણ કેટલાક નેતાઓને સોંપાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથ એક ઉત્તર ગુજરાતની વાવ વિધાનસભા બેઠક અને એક સૌરાષ્ટ્રની ખાલી પડેલી વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.