હાલમાં જ્યારે વાહનચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે તથા બેદરકારી પૂર્વક વાહન ચલાવી રહ્યા છે ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે પોલીસ વિભાગે આરટીઓને ઢગલાબંધ અરજીઓ મોકલી છે.
આંકડાકીય વાત કરીએ તો, છેલ્લા 3 મહિનામાં પોલીસ ખાતા તરફથી 3 હજાર અરજીઓ મોકલવામાં આવી છે.. જેમાંથી 1300 જેટલી અરજીઓ અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં મોકલાઈ છે. આ અરજીઓમાંથી સૌથી વધુ કેસ હેલમેટ ન પહેરનાર વાહન ચાલકો માટેની છે. આરટીઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે વાહન ચાલકને પહેલા તેના ઘરે નોટિસ મોકલવામાં આવે છે. અને આરટીઓ તરફથી 7 દિવસમાં ખુલાસો માગવામાં આવે છે. ત્યારબાદ 3 મહિના સુધી લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.
વર્ષ 2023માં સુભાષબ્રિજ આરટીઓ કચેરીએ 700 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 3 મહિનામાં 1300 અરજી મળી છે. જે મોટો આંકડો છે. આ આંકડો દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોને પાળનાર કરતા ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.