વર્ષો પહેલાનું ગોત્રી ગામ આજે વડોદરામાં આવેલો ગોત્રી વિસ્તાર છે. અને તેનાય વર્ષો પહેલા આ જગ્યા સંતો મહંતોની તપોભૂમિ હતી જેમણે મહાદેવની આરાધના કરીને આ ભૂમિને પવિત્ર બનાવી.. વડોદરાની આ પવિત્ર ભૂમિ પર તળાવની મધ્યમાં પારેશ્વર મહાદેવ બિરાજમાન છે. અને મહાદેવના મંદિરમાં શિવલિંગ ત્રિકોણ આકારનું છે. પારેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ આકાશમાંથી સ્વયં પ્રગટ થયેલું છે. શિવપુરાણમાં જે મંદિરોના ઉલ્લેખ હોય છે તેમાંનું આ એક મંદિર છે. મહાદેવજીના મંદિરો તળાવ કે નદી કિનારે હોય છે પણ ગોત્રી વિસ્તારમાં આવેલુ પારેશ્વર મહાદેવનું મંદિર તળાવની મધ્યમાં આવેલું છે અને મહાદેવજીના દર્શન કરવા જવા માટે એક જ રસ્તો છે.
ભોળેનાથના કોઈપણ મંદિરમાં શિવલિંગ ગોળાકાર હોય છે પણ ગોત્રીના તળાવ કિનારે આવેલા પારેશ્વર મહાદેવના મંદિરનું શિવલિંગ મંગળના યંત્ર જેવું ત્રિકોણ છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક સાથે બિરાજમાન હોવાની માન્યતા છે. આખા દેશમાં મહાદેવજીનું આવુ શિવલિંગ ક્યાંય નથી. ત્રિમુખી શિવલિંગમાં અનેક શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ધરાવે છે અને તેના કારણે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે..
પારેશ્વર મહાદેવ મંદિરનું ત્રિમુખી શિવલિંગ ચમત્કારિક છે. સદીઓથી સ્યંભૂ બિરાજમાન શિવલિંગ પોતાની જગ્યાએથી ઉત્તર દિશા તરફ ખસી રહ્યુ છે. સામાન્ય રીતે દરેક શિવમંદિરમાં નંદી, કાચબો, શિવલિંગ અને પાર્વતીજીની મૂર્તિ એક હરોળમાં દર્શનીય હોય છે. પણ આ મંદિરનું શિવલિંગ વર્ષોથી ઉત્તર તરફ ખસી રહ્યુ છે અને તે પણ બે ફુટ ખસી ગયેલું છે એટલે તે નંદી, કાચબા અને પાર્વતીજીની હરોળમાં નથી તે સ્પષ્ટ જોઈ શકાય છે. શિવલિંગ દર વર્ષે એક દોરા જેટલુ ખસે છે અને વર્તમાન સ્થિતિમાં તે પોતાની સ્થાપિત જગ્યાએથી બે ફુટ સુધી ખસી ગયેલુ છે તો તેના પરથી અંદાજ લગાવી શકાય કે આ મંદિર સદીઓ પુરાણુ છે. શિવલિંગ જેમ જેમ ખસતુ રહ્યુ છે તેમતેમ વર્ષોથી પૂજા કરતા પૂજારીઓ વખતો વખત જળાધારીને પણ શિવલિંગની સાથે ખસેડતા રહ્યા છે.
વડોદરાને શિવજીની નગરી કહેવામાં આવે છે શહેરમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે પરંતુ ગોત્રી ગામની ભાગોળે તળાવની મધ્યમાં આવેલું શિવમંદિર અલૌકીક અને ચમત્કારી છે જેના કારણે ગોત્રી વિસ્તારના લોકો પારેશ્વેર મહાદેવમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. લોકો પોતાના કામધંધા પર જતા પહેલા શિવજીને એક લોટો જળ ચડાવીને પછી જ દિવસની શરૂઆત કરે છે અનેક ભક્તો એવા પણ છે જે ચાર ચાર પેઢીથી નિયમિત મહાદેવના દર્શન માટે આવે છે અને જેના કારણે જીવનમાં નવી ઊર્જા મળતી હોવાનો અહેસાસ કરે છે…
અત્યંત પહોળી દિવાલો, ચાર ખૂણા પર લક્ષ્મીયંત્રનો મજબૂત આધાર અને છત સાથે નવગ્રહ ધરાવતા પારેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શિવરાત્રી અને શ્રાવણના સોમવારે મંદિરમાં ચાર પ્રહરનો અભિષેક અને સવાર, સાંજ તેમજ રાત્રે બાર વાગે મહાદેવજીની આરતી કરવામાં આવે છે. દરરોજ મંદિર પરિસરમાં કરવામાં આવતા હવન યજ્ઞનો લાભ લઈ ભાવિક ભક્તો ધન્ય છે.
મંદિર પરિસરની ચારે દિશામાં આવેલા વડ અને બિલીનું ઝાડ મંદિરના નીરવ શાંતિભર્યા વાતાવરણને વધારે સકારાત્મક બનાવે છે અને દર્શને આવતા ભાવિકોના શાતા અર્પે છે. હાલ જ્યાં ગોત્રી વિસ્તાર છે તે સ્થળ પર સદીઓ પહેલા ઘણા ઋષિમુનિઓ તપ કરતા અને એટલે જ આ પવિત્ર ભૂમિ પર જે કોઈ લોકો વસવાટ કરે છે તેમના પર સદાય ભોળેનાથના આશીર્વાદ રહ્યા છે.
ગોત્રીનું પારેશ્વર શિવમંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આ મંદિરમાં મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનામાં પૂજાઅર્ચનાનું આયોજન કરવામાં આવે છે સાથે જ અહી મહાબલી અને અન્ય પૂજા વિધિ પણ કરવા ભક્તો આવે છે આમ પૌરાણિક અને ચમત્કારિક શિવમંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.