સલમાન ખાનને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ફરી ધમકી મળી છે. અહેવાલ છે કે, આ વખતે એક ગીતના કારણે ગેંગે અભિનેતાને ધમકી આપી છે. તેમજ એક માસમાં મોટી કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે. આ પહેલા પણ સલમાનને લોરેન્સ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી છે. કથિત રીતે ગેંગના સભ્યોએ થોડા સમય પહેલા અભિનેતા પર તેના ઘરની બહાર ફાયરિંગ પણ કર્યું હતું.
એક અહેવાલ મુજબ સલમાનને એક ગીતના કારણે ગેંગ તરફથી ધમકીઓ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગીતમાં સલમાનને બિશ્નોઈ ગેંગ સાથે જોડવામાં આવ્યો હતો. આ ધમકી મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને મોકલવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, ગીત લખનાર સામે એક મહિનામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે. ધમકીઓ આપવામાં આવી છે કે, ગીત લેખક ‘હવે વધુ ગીતો લખી શકશે નહીં’. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ‘જો સલમાન ખાનમાં હિંમત હોય તો તેને બચાવે.’
આ તરફ હવે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ રાજસ્થાનના ભીખા રામ (32 વર્ષ)ની કર્ણાટકના હાવેરીથી બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેને મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ભીખા રામે સ્વીકાર્યું હતું કે, તે લોરેન્સ બિશ્નોઈને માનતો હતો. કથિત રીતે તે 5 કરોડ રૂપિયાની ખંડણીની રકમથી બિશ્નોઈ સમુદાયનું મંદિર બનાવવા માંગતો હતો.