મહેસાણાથી વીસ કિલોમીટર અને બહુચરાજીથી પણ વીસ કિલોમીટરના અંતરે જોટાણા તાલુકામાં મરતોલી ગામ આવેલું છે. મરતોલીમાં જગતજનની કલ્યાણકારી દેવી માં ચેહર બિરાજમાન છે. ગુજરાતભરમાંથી ભાવિકો મરતોલીમાં ચેહરમાતાજીના દર્શન કરવા આવે છે. મા ના દર્શને આવતા માઈભક્તોની મનોકામના મા ચેહર પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારે છે. મંદિરે દર પૂનમ અને રવિવારે ભક્તો માતાજીના દર્શનનો લાભ લેવા અચૂક આવે છે.
સિંઘપ્રદેશના પારકર તાલુકામાં શેખાવત રાઠોડને ત્યાં ચામુંડા માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ મહાસુદ પાંચમ એટલે કે વસંતપંચમીના દિવસે કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભુ પ્રગટ થયા હતા. કેશુડાના ઝાડ નીચે ઘોડિયામાં સ્વયંભૂ પ્રગટ થતા તેમનું નામ કેશર ભવાની પડ્યું હતું. ભક્તોની રક્ષા કાજે માતાજી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નગર તેરવાડા ખાતે પહોંચ્યા હતા જેને કેશર ભવાનીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે. જ્યાંથી પાટણ થઈ કેશર ભવાની એટલે મા ચેહરે હાલના મરતોલીમાં રબારી સમાજના લોકોને પરચો આપ્યો હતો
મંદિરમાં આવેલા વરખડીના ઝાડ નીચે હજારો વર્ષો પહેલા મા એ વાસ કર્યો હતો અને ફૂલનો દડો બનીને અંતર્ધ્યાન થઈ ગયા હતા. જે વરખડી હાલ મોજૂદ છે. આ વરખડીના ઝાડ નીચે પગલાંનું નાનું મંદિર છે જેને હાલ પૂજવામાં આવે છે. માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકો માતાજીના શરણે નિયમિત આવી દર્શન કરી શાંતિનો અહેસાસ કરે છે
1996 માં માતાજીના આદેશથી સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસમાં ગણતરી કરતા વધુ ભક્તો મા ચેહરના દર્શને ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ગણતરી કરતા વધારે ભક્તો ઉમટી પડતા ભુવાજીએ અંદાજિત એક ફૂટની ચુંદડી આપી લાડુના પ્રસાદ ઉપર ઢાંકવા સૂચન કર્યું હતુ અને હજારો ભક્તોને લાડુના પ્રસાદ ઉપર ચુંદડી ઢાંકીને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. પ્રસંગ પત્યા પછી પણ લાડુનો મોટો જથ્થો વધ્યો હતો. આ લાડુમાંથી પાંચ લાડુ કાઢી બીજા લાડુ આજુ બાજુના ગામમાં ઘર દીઠ વહેચવામાં આવ્યા હતા. ખૂટી પડવાની પરિસ્થિતિમાં પણ આટલા બધા લાડુનો જથ્થો વધવો એ માતાજીની કૃપા સાથે ચમત્કાર સમજે છે.
મરતોલીમાં બિરાજમાન કેશરભવાની મા ચેહર ના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ચેહર માતાજી ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્યે ભોજન તેમજ રહેવા માટેની સગવડ આપવામાં આવે છે.તેમજ અહી
માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવાની પણ માન્યતા છે. ચહેરધામ મરતોલી ખાતે આવતા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ,રોજગાર ,શારીરિક તકલીફોના નિવારણ માટે માનતા રાખે છે અને માતાજી તેના ભક્તોની મનોકામના અચૂક પૂર્ણ કરતા હોવાની માન્યતા છે.