સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘણીવાર સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના જોવા મળી રહી છે. જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગની ગંભીર ઘટના સર્જાઇ હતી. ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં આગની ઝપેટમાં 800 થી વધુ દુકાન આવી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ જગ્યા પર રાખવામાં આવેલ કરોડો રૂપિયાનું કાપડ પણ સળગીને રાખ થયું હતું.
વેપારીઓ રડી પડ્યા
શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાના કારણે વેપારીઓના પગતળેથી જમીન ખસી ગઇ હતી. આટલી મોટી ઘટનામાં વેપારીને આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જેમાં એક વેપારીને ભારે નુકશાન થતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. કાપડના વેપારીઓ રડમસ ચહેરે એકબીજાને દિલાસો આપતા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ છેલ્લા 7 કલાકથી આગ ચાલુ છે અને આગામી 8 કલાક સુધી આગ ચાલુ રહેશે. વિસ્તારની 800 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી હતી. જેમાં દુકાન દીઠ વેપારીઓને લાખોનું નુકશાન પહોંચ્યું છે.
ફાયર સેફ્ટીના સાધનો ન હતા
ઘટનામાં મળતી માહિતી મુજબ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો સક્રિય હાલતમાં ન હતા. જેના કારણે આગે મોટું રૂપ ધારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ફાયર સેફ્ટી ન હોઇ ફાયર વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં આ ઘટના પર પાણી ફેરવતા ફાયર અધિકારીએ તેમનો લુલો બચાવ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે કાપડ એક પ્રકારનું પેટ્રોકેમિકલ જ છે, કાપડ પૂરેપૂરું સળગે પછી જ આગ કાબૂમાં આવી શકે છે. અને બેઝમેન્ટની અનેક દુકાનોમાં હજુ આગ પ્રસરતી હોય તેમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આગ પર કાબૂ મેળવવા 20થી વધુ ફાયર વિભાગની ટીમની જહેમત ઉઠાવી રહી છે.