મોહમ્મદ સિરાજ હાલમાં ઓસ્ટ્રેલિયામાં કમાલ-ધમાલ મચાવી રહ્યા છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે શાનદાર બોલિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી. આ જીત પહેલા સિરાજ પર પૈસાનો વરસાદ થયો. IPL 2025ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાજને 12.25 રૂપિયામાં ખરીદ્યો. હવે સિરાજને લઈને વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિરાજનું નામ એક અભિનેત્રી સાથે જોડાયું છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ માહિરા શર્મા છે, જે બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી છે.
સિરાજ-માહિરા શર્મા વચ્ચે છે સંબંધ?
સિરાજ અને માહિરા વચ્ચેના સંબંધોની અફવા માત્ર એક ફોટો લાઈક કરવાના કારણે શરૂ થઈ હતી. તાજેતરમાં જ અભિનેત્રી માહિરા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર સાડીમાં પોતાનો એક સુંદર ફોટો શેર કર્યો છે. સિરાજે સોશિયલ મીડિયા પર માહિરા શર્માની આ તસવીર લાઈક કરી દીધી હતી, જેના પછી એવી અફવા ફેલાઈ કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, આ વાતની પુષ્ટિ થઈ નથી. માહિરા શર્માએ પણ આ સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
માહિરાનો જન્મદિવસ 25 નવેમ્બરે હતો, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ક્રિકેટરો અને અભિનેત્રીઓ વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો લાંબો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટ કોહલીએ પણ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા. તો શુભમન ગિલનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચાતું રહે છે.
કોણ છે માહિરા શર્મા?
માહિરા શર્મા બિગ બોસ 13 (2019-2020)માં આવ્યા પછી વધારે ફેમસ થઈ. જ્યાં તેણે દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ સિવાય તે “યે હૈ મોહબ્બતેં” અને “કુંડલી ભાગ્ય” જેવા ઘણા લોકપ્રિય ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે. માહિરાએ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.
સિરાજનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં જીત
હાલમાં મોહમ્મદ સિરાજનું લક્ષ્ય ઓસ્ટ્રેલિયામાં તિરંગો ફરકાવવાનું રહેશે. આ ખેલાડીએ પર્થ ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી. સિરાજે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી. આ સાથે ટીમ ઇન્ડિયા ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. પરંતુ હજુ ચાર ટેસ્ટ મેચ બાકી છે અને આશા છે કે ટીમ ઇન્ડિયા આગામી મેચમાં પણ કમાલ કરી બતાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે.