ગુજરાત રાજ્યમાં મહાભારત કાળની ઘણી માન્યતાઓ પ્રચલિત છે. અનેક પૌરાણિક મંદિરો મહાભારત કાળ સાથે સંબંધિત હોવાની લોકવાયકાઓ છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા અને દમણની હદ પર આવેલું કુંતેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક છે. મંદિરના ગર્ભ ગૃહમાં એક સાથે નવ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. નવ શિવલિંગ ધરાવતું દેશનું એકમાત્ર શિવાલય ભાવિકોની આસ્થાનું પ્રતીક છે. રાજ્યના દક્ષિણ છેવાડે આવેલો વલસાડ જિલ્લો અને દક્ષિણ ભાગ સદીઓ પહેલા દંડકારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો. તો બીજો પ્રદેશ પરશુરામ ભૂમિ કહેવાતો. પુરાણ પ્રસિદ્ધ સાત ચિરંજીવીઓમાં જેમનો સમાવેશ થતો હોય એવા ઋષિની આ તપોભૂમિના વિસ્તારમાં જ કેટલાક પૌરાણિક મંદિરો અને સ્થળો આવેલા છે. એમાનું એક શિવાલય એટલે કુંતેશ્વર મહાદેવ.
કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય
વલસાડ જિલ્લાના વાપી અને દમણની હદ પર આવેલા કુંતા ગામનું કુંતેશ્વર મહાદેવનું શિવાલય ખુબ જ જાણીતું છે. મહાભારતકાળથી જોડાયેલ કુંતેશ્વર મહાદેવની નોંધ ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ નર્મદે પણ ગુજરાતનો જયજયકાર કરતી તેમની કવિતામાં ઉલ્લેખ કરેલો. કુંતાના કુંતેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ હોવાની માન્યતા છે. પવિત્ર શિવલિંગનો સંબંધ છેક મહાભારતના કાળખંડથી સંકળાયેલો છે. મંદિરનો ઇતિહાસ પાંચેક હજાર વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે. કુંતેશ્વર મહાદેવ સાથે જોડાયેલી દંતકથા કે લોકવાયકા એવી છે કે, જ્યારે પાંડવો ગુપ્તવાસ સેવવા માટે જંગલોમાં ભટકતા હતા, ત્યારે એક સમયે આ વિસ્તારમાં પણ આવ્યા હતા. આ માન્યતા સાથે નજીકના દંડકારણ્યમાં પાંડવોએ નિવાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
ગર્ભ ગૃહમાં નવ શિવલિંગ ધરાવતું એકમાત્ર મંદિર
ડાંગને અડીને આવેલા વલસાડ જિલ્લામાં પાંડવો વનવાસ દરમિયાન આવ્યા હોવાની માન્યતા છે. કે પાંડવો અહી આવ્યા હતા તે દરમ્યાન આજે આપણે જેને ‘કુંતા’ તરીકે ઓળખીએ છીએ, એ સ્થળે તેમણે નિવાસ કર્યો હતો તે દરમ્યાન પાંડવોના માતા કુંતાએ શિવલિંગનું પૂજન કર્યું અને માતાની પ્રેરણાથી પાંચ પાંડવો યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ સહિત પાંચાલી દ્રોપદીએ પણ પોતપોતાના નાના-નાના શિવલિંગો સ્થાપિત કર્યા હતા. ત્યારબાદ આ તીર્થનું મહાત્મ્ય વધ્યુ અને કુંતામાતાના નામે પ્રખ્યાત થઈ ‘કુંતા’ તરીકે ઓળખાયું. કુંતેશ્વર મહાદેવ મંદિરમાં મહારાષ્ટ્રના ભીમાશંકર જ્યોર્લિંગ જેવુ અર્ધનારેશ્વર સ્વરૂપનું અદ્વિતીય સ્વયંભૂ શિવલીંગ છે. સામાન્ય રીતે અન્ય શિવાલયોમાં એક જ શિવલિંગ હોય છે. પણ કુંતેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગની સાથે પાંડવોએ સ્થાપેલા અન્ય શિવલિંગો પણ આવેલા છે. આમ એક જ ગર્ભગૃહમાં નવ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. એક જ ગર્ભ ગૃહમાં નવ શિવલિંગ ધરાવતું એકમાત્ર કુંતેશ્વર મહાદેવનું મંદિર માનવામાં આવે છે.
લોકોની આસ્થાનું કેન્દ્ર
અતિ પૌરાણિક કુંતેશ્વર મહાદેવ મંદિરનો મહિમા પણ અનેરો છે. ગુજરાત અને પડોશી સંઘપ્રદેશ દમણની હદ પર આવેલા કુંતા ગામને તમામ બાજુથી સંઘપ્રદેશ દમણની હદ લાગે છે. ગોળ વર્તુળ માં બિંદુની જેમ કુંતા ગામ સંઘપ્રદેશ દમણની હદ વચ્ચે આવેલું છે. આથી કુંતેશ્વર મહાદેવનો મહિમા ન માત્ર ગુજરાત પરંતુ સંઘ પ્રદેશ દમણના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કુંતેશ્વર મહાદેવ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ અર્ધનારેશ્વર સ્વરૂપ શિવના દર્શન કરાવે છે. અને આવુ જ સ્વયંભૂ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ભીમાશંકરમાં જોવા મળે છે. એટલે આ શિવલિંગનો મહિમા વધી જાય છે. અને એક સાથે નવ શિવલિંગના દર્શનનો લ્હાવો સમગ્ર ભારતમાં એક માત્ર કુંતેશ્વર મહાદેવમાં મળે એવી માન્યતા છે. મહાદેવના મંદિરે ભાવિકો પુત્ર પ્રાપ્તિ, કોઢ વગેરે વ્યાધિમાંથી મુક્તિ મેળવવાની માનતા રાખે છે અને દાદા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ પણ કરે છે.
કુંતેશ્વર મહાદેવ આ ભૂમિની રક્ષા કરતા હોવાની લોકો માન્યતા
મંદિરની સૌથી ધ્યાન આકર્ષક મૂર્તિ પવનપુત્ર હનુમાનજીની છે. મંદિરમાં સ્થાપેલી હનુમાનજીની મૂર્તિના હાથમાં ગદા નહીં પરંતુ ખંજર રાખવામાં આવ્યુ છે. એટલે હનુમાનજીને શિવભક્ત હનુમાન માનવામાં આવે છે. હનુમાનદાદા પણ મંદિરે આવતા શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે. કુંતેશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં માતા પાર્વતી પણ બિરાજમાન છે. શિવજીની સામે જ બિરાજમાન માતા પાર્વતીના દર્શન કરી શકાય છે. મંદિર પરિસરમાં અન્ય દેવી-દેવતાઓના પણ સ્થાનક બનાવવામાં આવેલા છે. જેમાં કાળભૈરવ અને ગંગાજીની મૂર્તિઓ પણ પૌરાણિક માનવામાં આવે છે. રાજ્યના દક્ષિણ છેવાડે આવેલુ કુંતેશ્વર મહાદેવ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ જાણીતું શિવાલય છે. વર્ષ દરમિયાન આ મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને શ્રાવણ મહિના દરમ્યાન મંદિરમાં આખો મહિનો મેળા જેવો માહોલ જોવા મળે છે. મંદિર પરિસરમાં ભગવાન ભોલેની સાથે શનિદેવ, રામદેવપીર, સાઈબાબા અને નવગ્રહ તેમજ ગણેશજી અને હનુમાનજીના મંદિર પણ આવેલા છે. ભક્તોને નવ શિવલિંગની સાથે અન્ય દેવી દેવતાના દર્શન કરવાનો પણ લ્હાવો મળે છે. જેથી મંદિર પરિસરમાં વર્ષ દરમ્યાન દરરોજ ભક્તો ની ભીડ ઉમટી પડે છે. એક જ ગર્ભ ગૃહમાં એકસાથે નવ શિવલિંગ ધરાવતું દેશનું આ એકમાત્ર શિવાલય છે. જ્યાં દેવાધી દેવ મહાદેવ અર્ધનારેશ્વર રૂપમાં હોવાથી મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓ પણ જઈને પૂજા કરી શકે છે. સદીઓથી આ વિસ્તારના આસ્થાના પ્રતીક કુંતેશ્વર મહાદેવ આ ભૂમિની રક્ષા કરતા હોવાની લોકો માન્યતા ધરાવે છે.