અમદાવાદના નિકોલમાં આશરે 700 વર્ષથી હનુમાજીદાદા બિરાજમાન છે જ્યારે નિકોલ ગામનો વસવાટ પણ નહોતો થયો તે પહેલાથી હનુમાનજીનુ મંદિર અહિં આવેલુ છે. હાલ નિકોલ જ્યાં છે ત્યાં જંગલ હતુ ત્યારે હનુમાનજીની મૂર્તિને ગાડામાં લઈ જતા ગાડુ તૂટી જતુ હતુ અને જેટલી વાર ગાડા બદલવામાં આવ્યા તે દરેક ગાડા તૂટી જતા હતા. એટલે જ્યારે હનુમાનજીનુ મંદિર બનાવ્યુ ત્યારે ગાડા તોડ હનુમાનજી નામ આપવામાં આવ્યુ.
અમદાવાદના નિકોલમાં ગાડાતોડ હનુમાન બિરાજમાન
ઈ.સ. 1130-35માં નિકોલ ગામનુ તોરણ બંધાયુ હતુ. નીકા નામના રબારીએ આ ગામ વસાવ્યુ હતુ એટલે નીકા નામ પરથી ગામનુ નામ નિકોલ પડ્યુ. નિકોલ ગામનો વસવાટ થયો તે પહેલાથી હનુમાનદાદાનુ મંદિર આ સ્થળ પર આવેલુ છે. હાલ મંદિરમાં જે મૂર્તિ છે તેને આશરે 600 થી 700 વર્ષ પહેલા તાંત્રિકો ગાડામાં લઈને જતા હતા ત્યારે હાલનુ નિકોલ જે તે સમયે જંગલ હતુ ત્યાંથી પસાર થતા જે ગાડામાં મૂર્તિ હતી તે ગાડુ તૂટી ગયુ ત્યાર બાદ એક પછી એક છ થી સાત ગાડા બદલ્યા અને તે બધા જ તૂટી ગયા એટલે તાંત્રિકો મૂર્તિ ત્યાં જ મુકીને જતા રહ્યા અને તે વખતના રાજાએ મંદિર બનાવડાવી મંદિરનુ નામ રાખ્યુ ગાડાતોડ હનુમાનજી.
હનુમાનજી પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે
દેવોના દેવના રુદ્ર અવતાર, રામ ભક્ત હનુમાનજીની નિકોલ ગામ પર અસીમ કૃપા છે. દર વર્ષે ગામમાં ઉજવાતા મહત્વના તહેવાર ધુળેટીમાં રમાતા અખાડામાં ભાગ લેનાર દરેક પહેલવાનને શક્તિના પ્રતિક હનુમાનજીના દર્શન કરવા ફરજીયાત મંદિરે આવવુ જ પડે છે અને દર્શન કર્યા બાદ જ અખાડામાં રમી શકાય તેવો નિયમ છે. એક લોકવાયકા પ્રમાણે ગાડાતોડ હનુમાનજીનુ મંદિર સિદ્ધરાજ જયસિંહે બનાવ્યુ હોવાની છે કારણ કે નિકોલ ગામ અને પાટણના મલાવ તલાવનુ બાંધકામ તથા ઈંટો એક જ સમાન છે અને હનુમાનજીનુ મંદિર જ્યારે નાની ડેરી હતી ત્યારે તેની ઈંટો પણ બંને તળાવની ઈંટો જેવી જ હતી. નિકોલવાસીઓના રક્ષક ગાડાતોડ હનુમાનજી પર ભાવિકોને અતૂટ શ્રદ્ધા છે લોકો નિયમિત દાદાના દર્શને આવે છે અને પોતાનામાં નવી શક્તિનો સંચાર થયાને અનુભવ કરે છે
આશરે 700 વર્ષથી હનુમાજીદાદા બિરાજમાન છે
ગાડાતોડ હનુમાનજીનુ આશરે 700 થી 800 વર્ષ પૌરાણિક મંદિર ચુના અને કુદરતી તત્વોથી બનાવવામાં આવેલુ છે જેના પુરાવા હાલમાં પણ મોજુદ છે. મંદિરનો ગર્ભગૃહ, ગુમ્બજ અને દિવાલો ત્રણ ફૂટથી પણ વધારે જાડા છે. સિદ્ધરાજ જયસિંહે નિકોલના ગાડા તોડ હનુમાનજી મંદિર અને ગામના તળાવનુ બાંધકામ કરાવ્યુ તે પહેલા તળાવને વણઝારાઓએ ખોદ્યુ હતુ અને તેમની યાદમાં આજે પણ નિકોલવાસીઓ ધુળેટીના દિવસે વણઝારાની વેશભૂષા ધારણ કરી તહેવારને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. મંગળવાર અને શનિવારે ગાડાતોડ હનુમાનજીના મંદિરે શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. નિવૃત વડીલો દાદાના મંદિરે સેવા આપી સમય સદઉપયોગ કરે છે તો યુવા પેઢી પણ નિયમિત દાદાના દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ થવાનો અને જીવનમાં શાંતિ રહેવાનો અહેસાસ કરે છે.
શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે
દર શનિવારે મંદિરે ખીરની પ્રસાદી દાદાને ચઢાવી ભક્તોને પીરસવામાં આવે છે. હનુમાનજીના મંદિરે દર શનિવારે આશરે 700થી પણ વધારે શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તમામ ભક્તોને પ્રસાદ વહેંચ્યા બાદ પણ તે વધે છે એટલે તે શ્રીફળને પીસીને સુકવ્યા બાદ તેમાં લોટ અને ગોળ ભેળવી ફરીથી સુકવીને મંદિરે સેવા આપવા આવતા વડીલો કીડીયારુ ભરવા લઈ જાય છે આમ પ્રસાદીનો બગાડ ના થાય, અબોલને અન્ન મળી રહે અને વડીલો પણ પુણ્યનુ ભાથુ બાંધી લે છે. દર્શન કરવા આવતા ભાવિકો માટે ભક્તિનુ સ્થાન છે ગાડાતોડ હનુમાનજીનુ મંદિર, સાથે સાથે સેવાના પણ અનેક કામ મંદિર દ્વારા કરવામાં આવે છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક, પુસ્તકો, સ્કૂલ બેગ, યુનિફોર્મ આપી અને દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સમાજસેવાની સાથે દેશની આવતીકાલ પણ ઉજ્જવળ બનાવવાની નેમ છે. શ્રી કૃષ્ણ ભગવાનના રાસ અને તેમની રાસલીલાથી સૌ કોઈ વાકેફ છે પણ જો તેમના મોટા ભાઈ બળદેવજીના રાસ જોવા હોય તો તે આખા દેશમાં ફક્ત નિકોલમાં જ રમાય છે નિકોલમાં રમાતા ઓડાના રાસમાં બળદેવજીના હથિયાર હળનો ઉપયોગ કરવામાં આવે છે યુવાનો આગળ હળ રાખે છે અને બહેનો તેની પર સોટી પછાડતા લઈને આવે છે એટલે તે બળદેવજીનો રાસ કહેવામાં આવે છે. અને આ રાસ જ્યાં રમાય છે ત્યાં ગાડાતોડ હનુમાનજી બિરાજમાન છે.