સંસદમાં ગુરૂવારે (19 ડિસેમ્બર 2024) ગરમાગરમીવાળો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ ગાંધી પર ધક્કો મારીને પછાડી દેવાનો આરોપ લગાવ્યો હતો. જો કે હવે આ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
રાહુલ ગાંધી આપ્યું નિવેદન
રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘અમે મકર દ્વારથી સંસદની અંદર જઈ રહ્યા હતા. ભાજપના લોકો ત્યાં ઉભા હતા અને તેમને અંદર જતા રોક્યા હતા. સ્થળ પર ધક્કા મુક્કી થવા લાગી હતી અને લોકો નીચે પડી ગયા હતા. આ લોકો બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે.’
રાહુલ ગાંધીએ ભાજપના સાંસદો પર લગાવ્યો આરોપ
આ ઉપરાંત રાહુલે પણ ભાજપના સાંસદો પર તેમને એન્ટ્રી ગેટ પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, ‘ભાજપના સાંસદો મને ધક્કો મારતા હતા અને ધમકાવતા હતા. અમે સીડી પર ઉભા હતા. બધું કેમેરામાં કેદ થઈ ગયું છે. ખડગેજી સાથે પણ ઝપાઝપી થઈ હતી. જો કે, ધક્કો મુક્કીથી કઈ પ્રાપ્ત થવાનું નથી. ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી શકતા નથી.’
પ્રતાપ ચંદ્ર સારંગીએ રાહુલ પર લગાવ્યો હતો આરોપ
નોંધનીય છે કે , ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ આરોપ લગાવ્યો હતો કે, ‘રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા હતા, જેના કારણે મને માથામાં ઈજા થઈ હતી.’ સારંગીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ભાજપના નેતાઓ તેમને મળવા અને તેમની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. તો બીજી તરફ વાયનાડના સાંસદ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘ખડગે સાથે ધક્કા મુક્કી કરી છે. બધું કેમેરામાં કેદ થયું છે.’
અમે તેમની ધમકીઓથી ડરવાના નથી : વિપક્ષ
ઇન્ડિયા બ્લોકના સાંસદો વાદળી વસ્ત્રો પહેરીને આંબેડકરની પ્રતિમાથી ચાલીને મકર દ્વાર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. તેનો ગુનો અક્ષમ્ય છે. સમગ્ર તંત્ર તેમને બચાવવામાં લાગેલું છે. ગૃહમંત્રીએ જે કહ્યું છે તેની વાત કરી રહ્યા છીએ. તેના શબ્દોને ટ્વિસ્ટ કરવામાં આવ્યા નથી. માફી માંગવાને બદલે ધમકીઓ આપી રહ્યા છે. અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.