હિન્દુધર્મમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ છે.. કોઇપણ મહિનાની જે તિથીએ પૂર્વજનું નિધન થયું હોય શ્રાદ્ધપક્ષમાં આવતી તે તિથીએ તેમનું શ્રાદ્ધ ઉજવાય છે.. શ્રાદ્ધ એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો પિતૃઓની સંતૃષ્ટી માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું તર્પણ, માનવામાં આવે છે કે આ દિવસો દરમ્યાન પિતૃઓ ધરતી પર આવે છે.. ઘણાના મનમાં એ સવાલ હોય છે કે શું શ્રાદ્ધ ન કરવા પર આપણા પૂર્વજો આપણને શ્રાપ આપે છે? શા માટે કોઇ પૂર્વજ તેના સંતાનોને શાપ આપે ? આ સવાલ તમારા મનમાં કોઈ ને કોઈ સમયે જરૂર ઉઠ્યો હશે. એક પૌરાણિક માન્યતા છે કે જો કોઈના પૂર્વજો ખુશ ન હોય તો તે વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકતી નથી, પરંતુ શું તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો ગુસ્સે થાય તો શાપ આપી શકે? આવો જાણીએ ગરુડ પુરાણમાં તેના વિશે શું લખ્યું છે.
વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામેલા લોકો પિતૃલોકમાં રહે છે
પિતૃ પક્ષમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ, શ્રાદ્ધ અને અન્ન દાન કરવાનું કહેવામાં આવે છે. ગરુડ પુરાણ મુજબ આપણા પિતૃઓ આપણા પૂર્વજો છે. જ્યારે વ્યક્તિ પોતાનું આખું જીવન વિતાવીને પૃથ્વી છોડી દે છે, તો તેના કર્મોનો હિસાબ આપ્યા પછી, તેણે થોડો સમય પિતૃલોકમાં વિતાવવો પડે છે. વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામેલા પૂર્વજો પિતૃ લોકમાં રહે છે. પિતૃ લોકના દેવતા અર્યમા છે, જેને પિતૃ લોકના રાજા અથવા પ્રમુખ માનવામાં આવે છે. સાથે જ યમરાજને પિતૃલોકના ન્યાયાધીશ માનવામાં આવે છે. પૂર્વજોને બે શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. એક દિવ્ય પૂર્વજ છે અને બીજા માનવ પૂર્વજ છે. દિવ્યપૂર્વજ એ છે જે જીવોના કર્મો જોઈને નક્કી કરે છે કે મૃત્યુ પછી તેને શું ગતિ આપવી જોઈએ.
ચંદ્નના ઉપરના ભાગમાં પિતૃઓનું નિવાસસ્થાન
પૂર્વજોનો નિવાસ ચંદ્રના ઉપરના ભાગમાં માનવામાં આવે છે. મૃત્યુ પછી, આત્માઓ એક થી સો વર્ષ સુધી પિતૃલોકમાં રહે છે. પિતૃલોકના શ્રેષ્ઠ પૂર્વજોને ન્યાયદાત્રી સમિતિના સભ્ય માનવામાં આવે છે. તેઓ કોઇ પૂર્વજના સારા અને ખરાબ કર્મોનો નિર્ણય પણ કરે છે. ગરુડ પુરાણ અનુસાર જે રીતે પૃથ્વીલોકને ચલાવવાની વ્યવસ્થા છે, તેવી જ રીતે પિતૃલોકને પણ ચલાવવાની એક વ્યવસ્થા બનાવવામાં આવી છે.
પ્રબળ માન્યતા છે કે શ્રાદ્ધમાં પિતૃઓ ધરતી પર આવે છે
જરા વિચારો કે કોઇ વ્યક્તિ કોઇ ખાસ નિમિતે લાગણીના તાંતણે ખેંચાઇ તમારા ઘરે આવે અને તમે તેની સાથે આદરપૂર્વક વર્તવાને બદલે અવગણના કરો અથવા તેમના આગમનને લઇ કોઇ ઉત્સાહ ન બતાવો તો તે મહેમાનને કેવું લાગશે. સ્વાભાવિક છે કે તેનું મન દુઃખી થશે અને તેની તમારા પ્રત્યેની લાગણીને ઠેસ પહોંચશે. અને દુઃખી મનમાંથી નિકળતો નિસાસો કેટલી બરબાદી નોંતરી શકે તેનો અંદાજ નહીં લગાવવો અશક્ય છે…એવી પ્રબળ માન્યતા છે કે શ્રાદ્ધ દરમ્યાન પિતૃઓ ધરતી પર આવે છે અને એટલે જ તેઓ આવે અને સંતુષ્ટ થઇને પિતૃલોક પાછા ફરે તેવા ઉદે્શ્ય સાથે શ્રાદ્ધ ઉજવાય છે..
નિસાસા કોઇના પણ હોય તે બરબાદી નોંતરી શકે છે
આ જ કારણથી શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે માણસે ક્યારેય કોઈને દુઃખી ન કરવું જોઈએ.ઘણી પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ કોઈ દુ:ખી વ્યક્તિએ કોઈને શ્રાપ આપ્યો છે, તે હમેંશા સાચો સાબિત થયો છે.
ઉદાહરણ તરીકે, મહાભારતમાં ગાંધારી માત્ર રાણી જ નહીં પરંતુ 100 કૌરવોની માતા પણ હતી. કુરુક્ષેત્રના રણમેદાનમાં જ્યારે લોહીયાળ યુદ્ધ થયું ત્યારે તેમાં ગાંધારીના 100 પુત્રો માર્યા ગયા. ગાંધારી જાણતી હતી કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને જો તેઓ ધારત તો યુદ્ધ રોકી શક્યા હોત પરંતુ તેમ છતાં તેમણે યુદ્ધ ન રોક્યું, અને તેને તેના 100 પુત્રો ગુમાવવા પડ્યા તેથી દુઃખી થઈને ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે જેમ મારા વંશનો નાશ થયો તેમ તારા વંશનો નાશ થશે, અને આ શ્રાપ સાચો પડ્યો અને યદુવંશનો નાશ થયો..
ઉદાસ થઇને પરત ફરતા પિતૃઓનો નિસાસો સંતાનોને અવશ્ય લાગે છે
ગરુડ પુરાણ અનુસાર, પિતૃલોકમાં પણ પિતૃઓની યોનિ નક્કી કરવામાં આવેલી છે, પરંતુ તમારા પૂર્વજો ગમે તે યોનિ હોય, તેમનું તર્પણ અને શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. પૂર્વજો તેમના પુત્રો, પુત્રીઓ અને પૌત્રો દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધ વિધિને ચોક્કસપણે સ્વીકારે છે. જ્યારે પૂર્વજો ઉદાસી સાથે દરવાજામાંથી પાછા જાય છે, ત્યારે તેમના ઉદાસ હૃદયમાંથી નીકળતો નિસાસો તેમના પ્રિયજનોને અવશ્ય લાગે છે.. આ કારણથી પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધનો મહિમાં છે.. ગરુડ પુરાણ અનુસાર, જ્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે, ત્યારે મનુષ્યને તેનું ગુમાવેલું સઘળું પાછું મળે છે.