રાજ્યમાં 19 ડિસેમ્બરે એટલે કે ગુરુવારે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઈ ગયા, હવામાન વિભાગે કહ્યું, આગામી પાંચ દિવસ ગુજરાતમાં તાપમાનમાં મોટો તફાવત નહીં
1. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે લોકો તાપણાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
2. નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રી તાપમાન
રાજ્યમાં 19 ડિસેમ્બરે એટલે કે ગુરુવારે કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાતા નલિયા સિઝનમાં પહેલીવાર 5.7 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાઈ ગયા હતા. આ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં ઠંડી ઘટી હતી. આ સાથે અનેક વિસ્તારોમાં ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો હતો.
3. હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈપણ પ્રકારની શક્યતા નથી. કચ્છના નલિયામાં 5.7 અને પોરબંદર 10.9 ડિગ્રી સાથે કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ હતી. સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન 5.7 ડિગ્રીએ પહોંચ્યુ હતુ.
4. આગામી પાંચ દિવસ ગુજરાતમાં તાપમાનમાં મોટો તફાવત નહીં
આ સાથે અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં તાપમાનમાં મોટો તફાવત નહીં થાય. ગુજરાત રીજનમાં (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારોમાં) થોડું તાપમાન વધી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સવાર સુધી કચ્છ અને પોરબંદર જિલ્લામાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની આગાહી આપવામાં આવી છે. નલિયામાં 6 ડિગ્રી અને પોરબંદરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાવાની આગાહી છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો કોલ્ડવેવની કોઈ શક્યતા નથી.
5. આજે કેવું છે વાતાવરણ ?
જો આપણે આજે એટલે કે 20 ડિસેમ્બર શુક્રવારની વાત કરીએ તો વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતુ. ત્યારે ગુરુવારે અમદાવાદનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 31 અને 14.9 ડિગ્રી રહ્યું હતું. ઠંડી વધવાની સાથે પરોઢે ગાઢ ધુમ્મસ છવાયું હતું.
6. ડીસામાં 12.8 તો કેશોદમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયુ
આ સાથે અન્ય વિસ્તારોનું લઘુત્તમ તાપમાન જોઈએ તો ડીસામાં 12.8, ગાંધીનગરમાં 14.1, વીવી નગરમાં 14.6, વડોદરામાં 13.8, ભુજમાં 11.2, નલિયામાં 5.7, અમરેલીમાં 11.7, ભાવનગરમાં 15.4, પોરબંદરમાં 10.9, રાજકોટમાં 10.8, સુરેન્દ્રનગરમાં 14, મહુવામાં 13.5, કેશોદમાં 10.7 ડિગ્રી નોંધાયુ છે.