ગાંધીનગરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા વાસણ ગામે વૈજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. મહાદેવજીનું આ મંદિર વાસણીયા મહાદેવના નામથી પ્રચલિત છે. સવારે સુર્યનું કિરણ મંદિરમાં બિરાજમાન માતા પાર્વતીજીના લલાટ પર પડે છે. વર્ષો પહેલા રાંધેજા ગામના ભાવદાસ પટેલને મહાદેવજીએ પ્રસન્ન થઈ રોગમુક્ત કર્યા હતા. મહાદેવજીની ભક્તિમાં લીન ભાવદાસ પટેલ ભાવનાથ થયા અને તેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યુ હતુ. ગાંધીનગરથી પંદર કિલોમીટરના અંતરે વાસણ ગામે વૈજનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલુ છે દેશમાં મહાદેવજીનું એકાદશી મંદિર આ એક જ છે, જ્યાં સ્ત્રી અને પુરુષ બંને ગર્ભગૃહમાં જઈ મહાદેવજીના પૂજન અર્ચન કરી શકે છે. મહાદેવજીના મંદિરે સુર્યનું પહેલુ કિરણ મા પાર્વતીજીના લલાટ પર પડે છે. મંદિરમાં મુખ્ય શિવલિંગ વૈજનાથ દાદાનું છે જે ભૂગર્ભમાં છે. એક શિવલિંગ પાર્વતી માતાજીના હાથમાં છે. અને બીજા દસ શિવલિંગ મંદિરમાં ફરતે સ્થાપન કરેલા છે. આ મંદિર દ્ધાદશ જ્યોતિર્લીંગની યાત્રાનું ફળ આપનારુ શિવાલય છે. મંદિરના સ્થાપત્યમાં સોલંકી-વાધેલા યુગની શિલ્પકળાની આછેરી ઝલક મંદિરના પ્રાંગણમાં જતાં જ થાય છે. સ્થાપત્યકળાની દષ્ટીએ ભવ્ય પરંપરાની ઝાંખી કરાવતુ વૈજનાથ મહાદેવનું મંદિર 111 સ્તંભ અને 111 ફૂટની ઉંચાઈ ધરાવે છે. મંદિરના 11 માળ છે. જેમાં ચાર માળ પાતાળમાં અને સાત માળ ગગનોન્મુખ છે. તેર ઘુંમટવાળી રથાકાર રચના અને તૈલી કલરમાં શિવજીના વિવાહ અને આરાધનાનું નિદર્શન કરતાં મુગલશૈલીના ચિત્રો પણ મંદિરની શોભા વધારે છે. મંદિરના પ્રવેશદ્વારોમાં મોગલ શાસન સમયની સ્થાપત્યકળાની અસર જોવા મળે છે.
વાસણ ગામે બિરાજમાન વૈજનાથ મહાદેવ
એક લોકમુખે પ્રસરેલી કથા પ્રમાણે રાંધેજા ગામના ભાવદાસ પટેલની ગાય ચરવા જાય અને જ્યારે પાછી આવે અને તેને દોહે ત્યારે તે દૂધ આપતી નહોતી એટલે તેમણે ગાય પાછળ જઈને તપાસ કરી તો વનમાં આવેલા ઘેઘુર વૃક્ષ નીચે ગાય પોતે જ દૂધનો અભિષેક કરતી હતી. ઈશ્ર્વરની આ અદભૂત લીલા, ગાયમાતાની શિવભક્તિને શરુઆતમાં પારખી ના શકનારા ભાવદાસ પટેલે પોતે ચમત્કારનો અનુભવ કર્યો અને ભાવદાસમાંથી ભાવનાથ બની પોતાને રોગમુક્ત કરનાર ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા અને જ્યાં ગાયમાતા થકી શિવલિંગના દર્શન થયા ત્યાં શિવાલય બનાવ્યું અને ઈશ્વરને વૈદરાજરૂપે કલ્પી વૈજનાથ મહાદેવનું નામકરણ કર્યુ. મંદિરનું નિર્માણ થયુ તેની પાછળ પણ એક ચમત્કારીક કથા જોડાયેલી છે. ભાવનાથદાદાએ મંદિરના નિર્માણ માટે જે શિલ્પીઓ અને કડીયાઓને બેલાવ્યા હતા તેમને તે પોતાના આસન નીચેથી ધનની ચુકવણી કરતા હતા. કેટલાક મજૂરોએ આ જોઈને રાત્રે બધુ જ ધન ચોરી લેવા ભાવનાથદાદાના આસન નીચે ખોદકામ કર્યુ પણ તેમને કંઈ ના મળ્યુ એટલે તેમણે તે બેઠક ફરી ચણી લીધી. બીજા દિવસે ભાવનાથદાદાએ તે મજૂરોને બેવડી મજૂરી ચુકવી, મજૂરોએ બેવડી મજૂરીનું કારણ પુછ્યુ તો ભાવનાથદાદાએ તેમને કહ્યુ કે આ રાત્રે કરેલા ખોદકામની મજૂરી છે. આ સાંભળીને મજૂરોનું હ્રદય પરિવર્તન થઈ ગયુ. ક્યારેય પવિત્ર ભૂમિ પર થતું પવિત્ર કાર્ય ધનના અભાવે અટકતુ નથી. ઈશ્વર સદાય સત્કાર્યમાં સહાય કરે જ છે તેની પ્રતીતિ હજારેક વર્ષથી અનેક કપરી પરિસ્થિતિઓમાં પણ ટકી રહેલું આસ્થાનું કેન્દ્ર વૈજનાથ મહાદેવનું મંદિર કરાવે છે. વૈજનાથ મહાદેવનું શિવલિંગ ગુપ્ત શિવલિંગ છે. આ ગુપ્ત શિવલિંગ પર સતત અભિષેક થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. શિવલિંગ ગુપ્ત છે, પરંતુ વૈજનાથ મહાદેવના પ્રાગ્ટ્યની કથાને યથાર્થ પલટી નાખે તેવી ગાયની ખરી છે. કહેવાય છે કે ગાય શિવલિંગ પાસે હતી ત્યારે તેને ત્યાંથી હાંકી તો ગાયની ખરી શિવલિંગ પર પડી એટલે શિવલિંગ થોડુક ભૂગર્ભમાં જતુ રહ્યુ હતુ.
શ્લોકથી મંદિર પરિસરનું વાતાવરણ ગુંજતુ રહે છે
મહાદેવજીના મંદિરમાં તેમનો પરિવાર બિરાજે છે. વૈજનાથ મહાદેવના મંદિરે વર્ષ દરમ્યાન શિવ આરાધનાના દરેક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. પવિત્રતાથી ભગવાન ભોળાનાથની પૂજા થાય છે. મંદિર પરિસરમાં બનાવવામાં આવેલી યજ્ઞશાળામાં કરવામાં આવતા યજ્ઞોમાં બ્રાહ્મણોના મુખે સરતા શ્ર્લોકોથી મંદિર પરિસરનું વાતાવરણ ગુંજતુ રહે છે. ગાયકવાડી શાસન સમયમાં જે પૂજારીઓ મહાદેવજીની સેવા પૂજા કરતા હતા તેમના જ વંશજો વર્તમાન સમયમાં મંદિરે પૂજન અર્ચન કરે છે. આમ પેઢી દર પેઢીથી મહાદેવજીના પૂજન અર્ચનની પવિત્ર પરંપરા ચાલી આવે છે. વૈજનાથ મહાદેવના મંદિરમાં પ્રવેશતા ભાવિક ભક્તોના ચિત્તમાં ભક્તિ અને શાંતિના ભાવ છલકાય છે. કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ નાશ પામ્યાની અનુભૂતિનો અહેસાસ થાય છે. મન હ્રદયમાં શિવતત્વ રામબાણ બનીને આવ્યાનો અલૌકિક અનુભવ થાય છે. પવિત્ર ભૂમિ અને મંદિરની આદ્યાત્મિક ઉષ્માને લીધે વૈજનાથ મહાદેવ મંદિર શ્રદ્ધા, આસ્થા અને ઈશ્વરીય તત્વમાં રહેલા દઢ વિશ્વાસનું ભક્તિ કેન્દ્ર છે. શિવરાત્રીમાં મંદિરે ભવ્ય પૂજા કરવામાં આવે છે. ત્યારે પૂજામાં જોડાતા ભાવિક ભક્તો માટે વિનામુલ્યે ફળઆહારની વ્યવસ્થા કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં મંદિરમાં આખો મહિનો પાંચ પ્રહરની પૂજા, મહાદેવજીનો લઘુરુદ્ર અને સોળસો ઉપચારની મહાપૂજા કરવામાં આવે છે. સમગ્ર માસ દરમ્યાન મંદિર શિવ આરાધનાથી ગુંજતુ રહે છે. વર્ષ દરમ્યાન દરરોજ ભાવિકો મહાદેવજીના દર્શને આવે છે પણ શ્રાવણમાં તો ભાવિક ભક્તોનો જાણે સૈલાબ આવે છે. વૈજનાથ મહાદેવના મંદિરની બરાબર સામે એકાવન ફૂટ ઉંચી અને મહાદેવજીના દર્શન કરી શકે તે પ્રમાણે રાખવામાં આવેલી હનુમાનજીની મુર્તિ લાલજી મહારાજે લોકોના સહયોગથી બનાવડાવેલી છે. લાલજી મહારાજને આ સ્થળ પર દાદાની મુર્તિનું સ્થાપન કરવા પ્રેરણા થઈ હતી. મહાદેવજીના દર્શને આવતા ભાવિક ભક્તો અહિં હનુમાનજીના દર્શન કરી ધન્ય થાય છે.
ઈશ્વરને વૈદરાજરૂપે કલ્પી વૈજનાથ મહાદેવ નામકરણ
લોખંડ, સીમેન્ટ, કપચી અને રેતીથી બનાવેલી હનુમાનજીની મુર્તિ મધ્યપ્રદેશના કારીગરો પાસે બનાવડાવવામાં આવેલી છે. દર શનિવારે હનુમાનજીના દર્શન કરવા અહિં ભાવિકોની ભીડ જામે છે. ભાવિકો હનુમાનજીને બુંદીના લાડુ, સાકર અને ખાસ વડાની પ્રસાદી ધરાવે છે જે ભાવિક દાદા પાસે પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને દાદાના આશીર્વાદથી તે પૂર્ણ થાય છે ત્યારે તે હનુમાનજીને વડાનો પ્રસાદ ધરાવે છે. ભગવાન શિવજીનું મૂળરુપ તો યોગીનું છે. તેમની પૂજા મૂર્તિ અને લિંગ એમ બંને સ્વરુપમાં થાય છે. ભોળાના મસ્તક પર ચંદ્ર, ગળામાં નાગ, એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમરુ છે. તેઓ લય અને પ્રલય બંનેના આદિ દેવ છે. જેમ બ્રહ્માંડનો કોઈ આરંભ કે અંત નથી તેવું જ ભગવાન શિવનું સ્વરુપ છે. એટલે સંપૂર્ણ સૃષ્ટી શિવમય છે. ભગવાન શિવ અનાદિ છે. સંપૂર્ણ બ્રહ્માંડ શિવની ભીતર છે અને બ્રહ્માંડના કણકણમાં શિવ વ્યાપ્ત છે. જ્યારે કંઈ નહોતુ ત્યારે શિવજી જ હતા અને જ્યારે કંઈ નહી હોય ત્યારે પણ શિવજી જ હશે.