શ્રદ્ધા હોય તો પથ્થરમાં પણ ભગવાન મળે છે” આવું વાક્ય કોઈ કવિએ એટલાં માટે લખવાનું વિચાર્યું હશે કે જ્યારે મનુષ્ય પોતાની તકલીફો અને દુઃખથી ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની શ્રદ્ધાના દ્વાર ખખડાવે છે. અને પોતાના ઈશ્વર કે માતાજી પાસે જઇને પૂજા અર્ચના કરે છે.આવી જ અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓની ઈચ્છા પૂર્ણ કરતાં માતાજી એટલે મોડાસામાં બિરાજમાન મા ઉમિયા. આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે. સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હોય તેવા અને ભક્તોની આસ્થા સાથે મોટું મંદિર નિર્માણ પામે તેવા… મંદિરમાં બેઠેલાં ઈશ્વર ઉપર લોકોને કેટલી શ્રદ્ધા છે કે પોતાનાં ધારેલા દરેક કામ ગમે તેવા સંજોગોમાં પૂર્ણ થઈ જાય છે. અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર શ્રી ઉમિયા માતાજીનુ ભવ્ય તીર્થસ્થાન આવેલુ છે. મોડાસાનું ઉમિયા મંદિર મીની ઊંઝા ધામ તરીકે પણ ઓળખાય છે. મુખ્યમાર્ગ પર જ આ મંદિર આવેલુ હોવાથી ઘણા દર્શનાર્થીઓ મંદિર પાસેથી પસાર થાય ત્યારે અચૂક માતાજીના દર્શન કરીને જ આગળ જાય છે.
મોડાસામાં બિરાજમાન મા ઉમિયા
ઉમિયા મંદિર પરિસરમાં ભવ્ય શેડ બનાવવામાં આવ્યો છે. તેમજ મંદીર પરિસરમાં ભવ્ય ભોજનાલય, કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યો છે .જેની સેવાઓ માત્ર ટોકન ભાવે આપવામા આવે છે. માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે દૂરદૂરથી ઘણા ભાવિકો મોટા સામાજીક કામ અને સેવા કરવાની શરૂઆત પહેલા માતાજીના આશીર્વાદ લેવા આવે છે અને માતાજીને પોતાના કામ સુંદર રીતે સફળ થાય તેવી પ્રાર્થના કરે છે. પૂનમે તેમજ દર રવિવારે મોટી સંખ્યામાં ભકતો,યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. વર્ષોથી નિયમિત દર્શને આવતા દર્શનાર્થીઓની માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ પણ કરે છે. માતાજીના આશીર્વાદથી ઘરે પારણુ બંધાય એટલે તે બાળકને માતાજીના દર્શન કરાવવા ભાવિકો મંદિરે આવે છે. મોડાસામાં આવેલુ ઉમિયા ધામ ભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર છે.ઊંઝાના ઉમિયાધામ જેટલી પ્રસિદ્ધી પામેલા આ મંદિરે આવી માતાજીના ચરણોમાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા તો અનુભવે છે જ સાથે સાથે માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે
ઊંઝાના જઇ શકતા ભાવિકો મોડાસામાં દર્શન કરી ધન્ય થાય છે
દર રવિવારે મોડાસાના ઉમિયાધામમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે.શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી મંદિરમાં બિરાજમાન આદ્યશક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે. જે ભક્તો ઊંઝા ઉમિયાધામ પગપાળા જઇ શકતા નથી તેવા ભક્તો મીની ઊંઝા તરીકે જાણીતા મોડાસાના ઉમિયાધામમાં બિરાજમાન માં ઉમિયા ના દર્શન કરી ધન્ય બને છે. વાર તહેવારે ઉમિયા માતાનો વિશેષ શણગાર કરવામાં આવે છે. સવારે 5 વાગે મહાઆરતી કરવામાં આવે છે આરતીનો લ્હાવો લેવા માટે ભાવિકો મોડી રાતથી મંદિરે આવી પહોચે છે. અને દિવસભર શ્રદ્ધાળુઓના પ્રવાહથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. મોડાસાના મેઘરજ રોડ પર આવેલુ મંદિર ભક્તો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે અને આ મંદિર મીની ઊંઝા તરીકે ઓળખાય છે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી દર્શનનો લાભ લે છે જેથી અરવલ્લીનું આ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.અને મોટી સંખ્યામાં પરિવાર સાથે ભક્તો અહી શીશ નમાવે છે. અરવલ્લી મોડાસામાં મીની ઉંઝા તરીકે આ જગ્યાએ નામના મેળવી છે જેથી જ ઊંઝાથી અખંડ જ્યોત અહીં લાવવામાં આવી છે અને ત્યાર બાદ મદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી આ વિસ્તારના હજારો લોકોની આસ્થા આ મદિર સાથે જોડાયેલી છે.