SEBI એ ફ્રન્ટ રનિંગ સ્કીમનો ભાંડો ફોડ્યો છે. હર્ષદ મહેતા સ્કેમની જેવો જ એક બીજો મોટો સ્કેમ સામે આવ્યો છે. SEBI એ DRPL,WDPL અને પ્રજ્ઞેશ સંઘવીના ખાતામાં કુલ 6766 ફ્રન્ટ રનિંગ ટ્રેડ ટ્રેસ કરીને કુલ 21,15,78,005 રૂપિયાનો ગોટાળો સામે લાવ્યો છે.
શું મળ્યું SEBIની તપાસમાં?
SEBIની તપાસમાં જાણવા મળ્યું છે કે PNB MetLife India Insurance Company Limited (Big Client) દ્વારા કરવામાં આવેલ ફ્રન્ટ-રનિંગ સોદાનું આયોજન કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. અન્ય ડીલરો અને ફંડ મેનેજરો સાથે મળીને આ સંસ્થાઓએ મોટા ગ્રાહકોના સોદાનો લાભ લીધો હતો અને SEBI એક્ટ અને PFUTP (પ્રોહિબિટેડ ફ્રોડ્યુલન્ટ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ તપાસ 1 જાન્યુઆરી 2021 થી 19 જુલાઈ 2024 વચ્ચે થયેલા ટ્રેડિંગ પર કરાઇ હતી અને એવું બહાર આવ્યું કે PNB MetLifeના મોટાભાગના ટ્રેડિંગ નિર્ણયો સચિન ડગલીના હાથમાં હતા.
ખાનગી જાણકારીનો દૂરપયોગ
સેબીએ ખુલાસો કર્યો કે સચિન બકુલ ડગલી (ઇક્વિટી ડીલર, PNB મેટલાઇફ) અને તેના ભાઇ તેજસ ડગલી (ઇક્વિટી સેલ્સ ટ્રેડર, ઇન્વેસ્ટેક) એ PNB મેટલાઇફ અને ઇન્વેસ્ટેકના સંસ્થાકીય ક્લાયન્ટ્સના ટ્રેડ ઓર્ડર્સ સંબંધિત ખાનગી માહિતી સંદીપ શંભારકર સાથે શેર કરી અને ત્યારબાદ તે માહિતી , DRPL, WDPLઅને પ્રજ્ઞેશ સંઘવીને આપવામાં આવી.
3 વર્ષથી ચાલતી હતી યોજના
સેબીએ નોંધ્યું હતું કે DRPL, WDPL અને પ્રજ્ઞેશ સંઘવીના ખાતા દ્વારા કુલ 6,766 ફ્રન્ટ-રનિંગ ટ્રેડ્સ થયા હતા. આ પ્રક્રિયામાં 21,15,78,005 રૂપિયાનો ગેરકાયદેસર નફો થયો હતો. આ પ્રવૃત્તિ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી.
રૂ. 21,15,78,005ની રકમ સેબીએ કરી જપ્ત
સેબીએ આ નવ સંસ્થાઓને “પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિક્યોરિટીઝમાં કોઈપણ પ્રકારની ખરીદી, વેચાણ અથવા વ્યવહાર કરવા” પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, “આ ફ્રન્ટ-રનિંગ પ્રવૃત્તિઓમાંથી કમાણી કરાયેલા ગેરકાયદેસર નફા તરીકે રૂ. 21,15,78,005ની રકમ સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે જપ્ત કરવામાં આવી છે.” સેબીનું પગલું અન્ય સંસ્થાઓ માટે ચેતવણી તરીકે કામ કરશે અને ગેરકાયદેસર વેપાર પ્રથાઓને નિરુત્સાહિત કરશે.