મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભના બુલઢાણામાં છેલ્લા 3 દિવસમાં 60 લોકો ટાલનો શિકાર બન્યા છે. તેમના વાળ ખરી રહ્યા છે અને ટાલ પડી રહી છે. આજકાલ બુલઢાણાના શેગાંવ તહસીલના બોંડગાંવ, કાલવડ અને હિંગણાના ત્રણ ગામોના લોકો ટાલ પડવાનો શિકાર બન્યા છે. ચાલો જાણીએ શું છે મામલો?
મળતી માહિતી મુજબ, વ્યક્તિના માથામાં પહેલા દિવસે જ ખંજવાળ આવવા લાગે છે. બીજા દિવસે વાળ હાથમાં આવી જાય છે અને ત્રીજા દિવસે વ્યક્તિને ટાલ પડી જાય છે. આ રોગની મોટાભાગની અસર મહિલાઓને થઇ રહી છે.
આરોગ્ય વિભાગની ટીમે આ ગામોની મુલાકાત લીધી અને સર્વે પણ કર્યો. જો કે, વાળ ખરવા અને ટાલ પડવાનું કારણ જાણવા માટે પાણીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જે લોકોને આ રોગની અસર થઈ છે, તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે.
ડૉક્ટરે સૌપ્રથમ દર્દીઓ જે શેમ્પૂ ઉપયોગમાં લઇ રહ્યા છે, તે અંગેની તપાસ કરી. જો કે, આમાંથી ઘણા લોકો એવા છે કે, જેઓએ જીવનમાં ક્યારેય શેમ્પૂનો ઉપયોગ કર્યો જ નથી અને તેમના વાળ પણ ખરી રહ્યા છે. આ રોગચાળો ફેલાતો જોઇને આરોગ્ય વિભાગ પણ આશ્ચર્યચકિત છે. ગ્રામજનો ઈચ્છે છે કે, ટાલ પડવાની આ સમસ્યાનો ઉકેલ જલ્દી શોધવામાં આવે.