કંગના રનૌતની બહુ ચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ આખરે રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મે કંગનાની જેમ ઘણી કોન્ટ્રોવર્સીનો સામનો કર્યો છે. આ ફિલ્મ વર્ષ 1975-1977 વચ્ચે ત્યારના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ લગાવેલ ઇમરજન્સીના પરિણામો પર આધારિત છે. આપના દેશના લોકતંત્રના ઇતિહાસમાં આ અધ્યાયને કાળો અધ્યાય કહેવાય છે ત્યારે આ ફિલ્મ જોવા માટે કંગનાએ કોંગ્રેસ નેતા રાહુલ અને તેની બહેન પ્રિયંકાને આમંત્રણ આપ્યું છે.
17 જાન્યુઆરીએ થશે રીલીઝ
આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રીલીઝ થશે અને આ ફિલ્મમાં કંગના એક્ટર અને ડિરેક્ટર એમ બેવડી ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેણે સ્વ.ઇન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે.
કંગના રનૌતે આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીના વર્તનની ટીકા કરી હતી અને પ્રિયંકા ગાંધીના સ્વભાવને રાહુલના સ્વભાવ કરતા સારો ગણાવ્યો હતો.
પ્રિયંકા અને રાહુલ સ્વભાવથી છે વિપરીત – કંગના રનૌત
સંસદમાં પ્રિયંકા ગાંધી સાથેની વાતચીતને યાદ કરતાં કંગનાએ કહ્યું કે, “જ્યારે હું તેમને મળી ત્યારે તેમણે હસીને મારી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે આ આપણા વચ્ચેની ખૂબ જ સરસ વાતચીત છે. તે ખૂબ નમ્ર છે અને તે તેના ભાઈથી સ્વભાવે ઘણી વિપરીત છે, તે હમેશા સમજીને બોલે છે અને તે સાચું હોય છે અને મને તેની સાથે વાત કરવાનું ગમે છે.” કંગનાએ રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું, “તમને તેમના ભાઈ વિશે તો ખબર જ છે. તેમણે મારી સામે સ્મિત કર્યું. તેમને શિષ્ટાચારની કોઈ સમજ નથી. છતાં હું તેમને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપું છું.”
મોટા ગજાના કલાકારો જોવા મળશે એક સાથે
‘ઇમર્જન્સી’ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયા તલપડે, અશોક છાબરા, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, વિશાલ નાયર અને સ્વ. સતીશ કૌશિક જેવા કલાકારોનું મુખ્ય ભૂમિકમાં જોવા મળશે. આ ફિલ્મ ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને તેના પરિણામો પર આધારિત છે.