તાજેતરમાં ભારતીય ટીમના ઘણા ક્રિકેટરોએ છૂટાછેડા લીધા છે. શિખર ધવન અને આયેશા મુખર્જી પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના સંબંધોનો અંત આવ્યો. હવે ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડાના સમાચાર પણ આવી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે ધનશ્રી સાથેનો ફોટો પણ હટાવી દીધો છે. આ દરમિયાન, બીજા એક ભારતીય ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની આશ્રિતા શેટ્ટી વચ્ચે ખટાશના અહેવાલો છે.
મનીષ પાંડેએ અનફોલો કરી પત્નીને
ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટ્સમેન મનીષ પાંડેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેમની પત્ની આશ્રિતા શેટ્ટીનો ફોટો ગાયબ છે. મનીષ સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો સક્રિય છે. પરંતુ તેણે તેની પત્ની સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. હવે બધા દૂર કરવામાં આવ્યા છે. આશ્રિતા શેટ્ટીએ પોતાની પ્રોફાઇલમાંથી મનીષ પાંડેનો ફોટો પણ હટાવી દીધો છે. બંને હવે સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો પણ કરતા નથી.
વર્ષ 2019 માં થયા હતા લગ્ન
2015 માં ભારત માટે ડેબ્યૂ કરનાર મનીષ પાંડેએ 2019 માં આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા. આશ્રિતાનો પરિવાર કર્ણાટકનો છે અને તે તમિલ ફિલ્મ અભિનેત્રી છે. લગ્ન પછી થોડો સમય તે IPLની મેચ દરમિયાન જોવા મળી હતી પરંતુ તે IPL 2024 દરમિયાન જોવા મળી ન હતી તે વખતે મનીષ પાંડે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો અને તેની ટીમ ચેમ્પિયન પણ બની હતી. ચેમ્પિયન બન્યા પછી પણ આશ્રિતાએ કોઈ પોસ્ટ કરી ન હતી.
IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી
મનીષ પાંડે IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. તેણે 2009 માં RCB વતી સદી ફટકારી હતી. 2021 પછી, તેને ભારતીય ટીમ માટે રમવાની તક પણ મળી નથી. તેણે ભારત માટે 29 વનડેમાં 566 રન અને 39 ટી20માં 709 રન બનાવ્યા છે.