ગાંધીનગરના રૂપાલથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા નારદીપુર ગામમાં ચારસો વર્ષ જૂનુ રામજી મંદિર આવેલુ છે. નારદીપુર રામાયણકાળમાં હેડંબાવનનો એક વિસ્તાર હતું અને કહેવાય છે કે ગામનું નામ નારદમુનિના નામ પરથી પડ્યુ છે. થોડા સમય પહેલા રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. નારદીપુર ગામની મધ્યમાં આવેલા રામજી મંદિરમાં રામ પરિવારની સાથે અનેક દેવી દેવતા બિરાજમાન કરવામાં આવ્યા છે. નારદીપુર ગામમાં પ્રવેશ કરતા જ સકારાત્મક તરંગોનો અહેસાસ થાય છે અને મહેસુસ કરાવે છે કે કોઈ અલૌકિક શક્તિ અહિં બિરાજમાન છે. અને હા તે શક્તિ એટલે રામલલ્લા… નારદીપુર ગામની મધ્યમાં આશરે ચારસોથી વધારે વર્ષ પહેલાથી રામજી મંદિર આવેલુ છે. થોડા સમય પહેલા મંદિરને મોટુ બનાવવામાં આવ્યુ છે. જૂના મંદિરમાં શ્રીરામ શ્યામ સ્વરુપે બિરાજમાન હતા.
નારદીપુરમાં ચારસો વર્ષ જૂનુ રામજી મંદિર
ચારસો વર્ષ પહેલાથી નારદીપુરમાં બિરાજમાન શ્રીરામ પરિવારના જૂના મંદિરને નાનામાંથી મોટુ સુંદર સ્વરુપ આપવામાં આવ્યુ છે. નારદીપુર ગામમાંથી અમેરિકા સ્થાયી થયેલા લોકોએ વર્ષોથી નારદીપુર ગામમાં ચાલતી કાળીચૌદસના ગરબા કરવાની જૂની પરંપરાને સાત સમુદ્ર પાર પણ યથાવત રાખી છે. અમેરિકામાં કાળીચૌદસના ગરબાની ઉજવણીમાં મળેલા મિત્રોએ પોતાના વતનમાં બિરાજમાન ભગવાન રામજીના વર્ષો જૂના નાના મંદિરને મોટુ બનાવવાનો વિચાર આવ્યો અને યુવાનોને મળ્યા ભગવાન શ્રીરામના આશીર્વાદ. નવુ રામજી મંદિર બનાવવા જૂના નાના મંદિરમાં બિરાજમાન શ્રીરામ પરિવારની મુર્તિઓ મંદિરની બાજુના એક મકાનમાં બિરાજમાન કરી, શિવલિંગને સ્થાપિત જગ્યાએથી ઉપાડ્યુ ત્યારે તેની નીચેથી ચાંદીના પુરાતન સિક્કા મળ્યા હતા તેના પરથી માની શકાય કે રામજી મંદિર ઘણું પ્રાચીન છે. નવું રામજી મંદિર ખૂબ સુંદર બનાવવામાં આવ્યુ છે જેમણે અયોધ્યાનું રામમંદિર ડિઝાઈન કર્યુ છે તેમણે જ નારદીપુરનું રામજી મંદિર ડિઝાઈન કર્યુ છે. મંદિરના મુખ્યદાતાઓ એકવીસ લોકો છે એટલે મંદિર પણ એકવીસ સ્તંભ પર ઉભુ કરવામાં આવ્યુ છે. ગુલાબી બંસીપહાણ પત્થરનો ઉપયોગ કરી બનાવવામાં આવેલા મંદિરના દરેક સ્તંભ પર રાજસ્થાનના કારીગરોએ કરેલી સુંદર ક્લાત્મક કોતરણી મંદિરની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. મંદિરની ઉપરની બાજુમાં સુંદર કોતરણી કરેલી બંસીપહાણના ગુલાબી પત્થરમાંથી બનાવેલી જાળીઓ, મંદિરમાં કરવામાં આરતી સમયે ઉત્પન્ન થતા ભક્તિમય સકારાત્મક તરંગોને જાણે ગામમાં પ્રસરાવી સંપુર્ણ ગામમાં ભક્તિભર્યુ વાતાવરણ સર્જે છે.
સદાય ભાવિકો પર આશીર્વાદ વરસાવતા ભગવાન શ્રીરામ
મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં રામ પરિવાર બિરાજમાન કરવામાં આવ્યો છે. નવી મુર્તિમાં શ્રીરામ શ્વેત સ્વરૂપે બિરાજે છે. ભગવાન શ્રીરામ માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણની તેજોમય મુર્તિના દર્શન અલૌકિક અહેસાસ કરાવે છે. સદાય ભાવિકો પર આશીર્વાદ વરસાવતા ભગવાન શ્રીરામ, માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે મંદિરમાં આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે. શ્રી રામ ભગવાનના સૌથી પ્રિય ભક્ત હનુમાનજી પરિવાર સાથે બિરાજમાન છે અને મંદિરના મુખ્ય ગર્ભગૃહની ડાબી બાજુમાં પણ તેમની સુંદર મુર્તિ રાખવામાં આવી છે. જ્યારે જમણી બાજુ ગણપતિદાદા બિરાજે છે. મુખ્ય ગર્ભગૃહની જમણી બાજુ રાધાક્રિષ્નાના ગોખમાં બિરાજમાન રાધાક્રિષ્નાની સુંદર મુર્તિઓ મન મોહિ લે છે. રામ પરિવારની ડાબી બાજુના ગોખમાં શિવપાર્વતીજી બિરાજમાન છે. શિવપાર્વતીજીના ગોખમાં સ્થાપિત શિવલિંગને જૂના શિવલિંગ પર જોડીને વર્ષો પહેલાના શિવલિંગ સાથેની આસ્થાને બરકરાર રાખવામાં આવી છે. દરેક શિવમંદિરની જેમ શિવપરિવારના ગોખની સામે નંદી અને કાચબો રાખવામાં આવ્યા છે. મંદિરમાં સામેની તરફ એક બાજુ ઉમિયા માતાજીનો ગોખ બનાવી બિરાજમાન કરવામાં આવ્યા છે અને બીજી તરફ મા અંબાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે આવતા ભાવિક ભક્તો એક જ મંદિરમાં અનેક દેવીદેવતાના દર્શન કરી ધન્યતાનો અહેસાસ કરે છે.
આખા ગામમાં કરવામાં આવે છે અન્નકુટનું વિતરણ
વર્ષમાં એક દિવસ ભગવાન રામજીની પાલખી યાત્રા નીકળે છે ભગવાન આખા ગામની યાત્રા કરે છે જે ગ્રામવાસીને ભગવાનની પધરામણી કરાવવી હોય તે દરેકના ઘરે ભગવાન પધરામણી કરે છે અને ત્યાં તેમના વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. મંદિરે રામનવમી અને જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ભગવાન રામ ગુરુકુળથી પાછા આવે ત્યારે તેમને ખીચડો ધરાવવાની પરંપરા છે એટલે ઉતરાયણે ખાસ ખીચડો બનાવવામાં આવે છે જેનો ભોગ ધરાવી ગ્રામવાસીઓને પ્રસાદરુપે વહેંચવામાં આવે છે. દિવાળી અને બેસતા વર્ષે ભગવાનને છપ્પનભોગનો અન્નકુટ ધરાવી આખા ગામમાં વિતરણ કરવામાં આવે છે.
દેશનું સૌથી મોટુ રામજી મંદિર અયોધ્યાનું રામજી મંદિર છે અને તેના પછી બીજા નંબરનું નારદીપુરનું રામજી મંદિર છે. મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે નારદીપુરનું રામજી મંદિર અયોધ્યા મંદિરે દર્શન કર્યાનો અહેસાસ કરાવતુ મંદિર છે. પરદેશમાં વસતા ભાવિકો પણ રામજી મંદિરના વેબસાઈટ પરથી દર્શન કરી ધન્ય થાય છે. નારદીપુર ગામની મધ્યમાં આવેલુ જૂનુ રામજી મંદિર નાનું હતુ. મંદિરની આસપાસ નાની દુકાનો અને મકાનો હતા મંદિરને મોટુ બનાવવા દુકાનો અને મકાનો મળીને બાવીસ મિલકતો ખરીદવામાં આવી, જેમાં દરેક દુકાન અને મકાન માલિકે સંપૂર્ણ સહયોગ આપ્યો એટલે સુંદર મોટા રામજીમંદિરનું નિર્માણ થયુ જેનો સર્વ ગ્રામવાસીઓને ગર્વ છે. સાત સમુદ્ર પાર રહેતા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેલા યુવાનોના સુવિચારને અમેરિકામાં વસતા નારદીપુરવાસીઓ અને નારદીપુરમાં રહેતા ગ્રામવાસીઓએ આપેલા સહયોગથી થયેલું સુંદર રામજી મંદિરનું સર્જન દરેકની નજર સમક્ષ છે અને સદીઓ સુધી રહેશે.