ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. ત્યારે ઉત્તરાયણ બાદ પણ કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.
1. કાતિલ ઠંડી
ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડા પવનો ફૂંકાવાને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર તરફથી આવી રહેલા સૂકા પવનો રાજ્યના હવામાનને ઠંડુ કરી રહ્યા છે. જોકે, ગુજરાતમાં આજથી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળી શકે છે. ભારત પર હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
2. પવનની દિશા
આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે તથા પવનની દિશામાં પણ ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે એટલે કે 16 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઘટવાની શરૂઆત થઈ શકે છે. ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
3. ઠંડીમાં ઘટાડો
17 જાન્યુઆરીથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 17 જાન્યુઆરી બાદ ગુજરાતના તાપમાનમાં વધારો થશે અને મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે પરંતુ હવામાન વિભાગે માવઠાની કોઈ આગાહી કરી નથી.
4. વરસાદની શક્યતા
હાલ ગુજરાતમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, બુધવારે નલિયા 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ સાથે અમદાવાદ 16.2, કંડલા એરપોર્ટ 11.6, ડીસા 12.5, રાજકોટ 10.8, ગાંધીનગર 14, વડોદરા 17.6, અમરેલી 13.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
5. પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. જોકે, હજુ પણ એક માવઠાની શક્યતા છે. તે પછી પણ ઠંડી પડવાની છે. કદાચ 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે.
