સમૂહલગ્નના આયોજનમાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, ”મને પાડી દેવા ષડયંત્રો થાય છે. 2-5 લોકો હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે તેમજ સમાજની 2 ટકા ટપોરી ગેંગ આવું કામ કરી રહી છે, જે ટોળકી મને હેરાન કરશે તો ક્યાંય પાછળ નહીં હટું” વધુમાં કહ્યું કે, જયેશ રાદડીયાને પાડી દેવાના કાયમી માટે પ્રયાસો કરે છે તેમજ આવતીકાલે સવારે મને પાડી દેવાના પ્રયાસો થશે ત્યારે મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે રાજનીતિમાં આવો અને રાજનીતિનો સમય આવશે ત્યારે મારી લડવાની તૈયારી છે”
ઘણાં અગ્રણીઓને હેરાન કર્યાનો દાવો
ત્યારે ધારાસભ્ય જયેશ રાદડિયાના ટપોરી ટોળકી પર નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જેમાં સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખનું અને પાટીદાર અગ્રણી શર્મિલા બાંભણિયાએ જયેશ રાદડિયાનું સમર્થન કર્યુ છે. એટલું જ નહીં તેમણે તો આ ટોળકીએ સમાજના ઘણાં અગ્રણીઓને હેરાન કર્યાનો દાવો કર્યો. તો જયેશ રાદડીયાએ 2017માં જ ટોળકી વિશે બોલવું જોઇતું હોવાની વાત કરી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે. અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે પરંતુ બોલ્યા તે સારું છે. સમાજ જાગી ગયો છે જેથી ટપોરી ગેંગનું કાઈ ચાલતું નથી.
રાજકારણને ભેગું ન કરવાની સલાહ
બીજી તરફ પાટીદાર નેતા વરૂણ પટેલે જયેશ રાદડિયાને સમાજ અને રાજકારણને ભેગું ન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું રાજનીતિમાં વિરોધના વંટોળ ઉઠતા રહે છે. દરેક નાના-નાના વિવાદોમાં ફરિયાદ કરવી યોગ્ય નથી. એટલું જ નહીં વિરોધીઓને સહનના કરી શકાય તો ઇલાજ કરવાની તૈયારી રાખવી પડે તેવી પણ વાત કરી હતી.
આ ઉપરાંત પાટીદાર સમાજના નેતાઓ જયેશ રાદડીયાના સમર્થનમાં ઉતરી રહ્યા છે. ત્યારે પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયાએ જયેશ રાદડીયાનું સમર્થન કરતા કહ્યુ કે જયેશ રાદડિયા સક્ષમ નેતા છે. ઘણી ટપોરી ગેંગ હતી જેની સાન વિઠ્ઠલભાઈ ઠેકાણે લાવી ચુક્યા છે. વિઠ્ઠલભાઈએ સમાજને ઘણું આપ્યું છે.
ત્યારે જયેશ રાદડિયાને સમર્થન કરવાની અમારી સામાજિક જવાબદારી છે. જયેશ રાદડીયાના નિવેદનને અમરેલી પાટીદાર અગ્રણી ગોપાલ ચમારડીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે સમાજ અને દેશને જોડાવનું કામ કર્યુ. લેઉવા પટેલ સમાજના આગેવાનો સમાજને તોડવાનું બંધ કરે, તથા સમાજના અન્ય આગેવાનોને આગળ આવી વિવાદ અટકાવવા અપીલ કરી હતી.