ભારતભરમાં પશ્ચિમાભિમુખ શિવાલય જવલ્લે જ જોવા મળતા હોય છે. મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે કાશી વિશ્વનાથ મહાદેવનુ મંદિર આવેલુ છે. વારાણસી સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મોડાસાનું 900 વર્ષ કરતા પૌરાણિક કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર અનેક શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. કાશીવિશ્વનાથ મહાદેવનું નામ આવે એટલે સૌને ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવેલું અતિ પૌરાણિક બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોર્તિલિંગ યાદ આવે. અરવલ્લી જીલ્લાના મોડાસામાં પણ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલું છે. મોડાસા શહેરમાં આવેલું પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિર અનેક શ્રધ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. રમણીય એવા માઝુમ નદી કિનારે આવેલુ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ભક્તોની આસ્થા અને તેની ધરોહર સાચવીને બેઠું છે.
મોડાસા શહેરમાં માઝુમ નદી કિનારે બિરાજમાન કાશી વિશ્વનાથ
કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર વારાણસીમાં સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન માનવામાં આવે છે. દેશમાં એવુ શિવ મંદિર જવલ્લે જ હોય છે જેનું મુખ પશ્ચિમાભિમુખ હોય છે. વારાણસીમાં સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરની જમણી બાજુમાંથી ગંગા નદી અને મંદિરના પાછળના ભાગે સ્મશાન આવેલું છે તેજ પ્રકારે મોડાસાના કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરના જમણી બાજુએ માઝૂમ નદી અને મંદિરની પાછળની તરફ સ્મશાન આવેલું છે. અહિના મુખ્ય દેવ વિશ્વનાથ તરીકે જાણીતા છે. જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. માઝૂમ નદીના કિનારે અંદાજે 900 વર્ષ પૌરાણિક આ મંદિરનો મહિમા ખૂબ અનેરો છે. મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. અતિ દિવ્ય અને પાવનકારી એવા શિવલિંગના દર્શનનું અનેરું મહત્વ છે. જેના પર ભક્તો દ્વારા દૂધ, બીલીપત્ર, મધ, પંચામૃત સહિતના અભિષેક કરવામાં આવે છે. ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને શિવલિંગ રૂપે પૂજવામાં આવે છે. આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે.
સફેદ આરસપહાણથી કાશીવિશ્વનાથ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. મંદિરના પરિસરમાં કાશી વિશ્વનાથ દાદા પરિવાર સાથે બિરાજમાન છે. મંદિર પરિસરમાં નીલકંઠ મહાદેવનું શિવલીંગ સ્થાપિત છે. તેમની બાજુમાં ભૈરવદાદાની મૂર્તિના દર્શન થાય છે. તેમજ હનુમાન દાદા અને ગણપતિ દાદાનું પણ મંદિર આવેલુ છે. મંદિરની પશ્વિમ દિશામાં મુખવાળુ પ્રથમ મંદિર શ્રી કાશી વિશ્વનાથ દાદાના પરચા મળવાના અનેક દાખલા જોવા મળે છે. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવજીને અનેક મનમોહક રીતે શણગારવામાં આવે છે. મંદિર સાથે અનેક ચમત્કારિક બનાવો પણ બન્યા હોવાની ભાવિકોની માન્યતા છે. 1996માં મંદિરનું રીનોવેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મંદિર પરથી આશરે દોઢ ટન વજનનો પથ્થર ગબડીને નીચે આવેલી માઝૂમ નદીમાં પડ્યો હતો. અને તે સમયે ગબડેલી મહાકાય શીલા નદીમાં કપડા ધોતી કોઈ પણ મહિલાને નુકશાન પહોંચાડ્યા સિવાય નદીમાં ગાયબ થઈ ગઈ હતી. માઝૂમ નદી પર બ્રિજના પિલ્લરના બાંધકામ સમયે પણ આવો જ એક ચમત્કારિક બનાવ બન્યો હતો.
ભગવાન ભોલેનાથ જરા અમથી ભક્તિ અને શ્રદ્ધાથી મનોવાંછિત મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. મંદિરે સોમવાર સહિત શ્રાવણ માસના દિવસો અને શિવરાત્રીના દિવસોએ ભક્તો વિશેષ પ્રમાણમાં દર્શન કરવા આવે છે. આ દિવસોમાં મંદિર ખાતે ભગવાન શિવજીની વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. વિશેષ દિવસોએ ભગવાન શિવજીના ફૂલ, પાન, ડ્રાયફ્રુટ સહિતની વસ્તુઓના હિંડોળા ભરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે અને રાત્રીના સમયે ચાર પ્રહરની પૂજા કરવામાં આવે છે. શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ પૂજા અર્ચના શરૂ કરવામાં આવે છે. બપોરે ભગવાન શિવજીની પાલખી યાત્રા કાઢવામાં આવે છે, ભગવાન શિવજી ભક્તોને શેરીએ શેરીએ દર્શન આપવા નીકળ્યા હોય તેવો સંયોગ સર્જાય છે. કહેવાય છે કે ભગવાન શિવજી પર ભક્તોની એટલી આસ્થા રહેલી છે કે ભક્તોની માનતા ભગવાન શિવજી પૂર્ણ કરતા હોવાની પણ માન્યતા છે. ભગવાન શિવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તો વિશેષ દિવસો સહિત આડા દિવસે પણ ભક્તિ ભાવ સાથે ભગવાન શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.