આદિવાસી સમાજ એટલે જળ, જમીન અને જંગલનું પૂજન કરતો સમુદાય, જેને ‘પ્રકૃતિ પૂજક’ તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી પાંડુરી માતાજીનું પૌરાણિક ધાર્મિક સ્થળ સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આવેલુ છે. જેનું પ્રાકૃતિક સૌંદર્ય રમણિય છે. નર્મદા નદીના દક્ષિણ કાંઠાથી સાતપુડા પર્વતની હાર માળાનો વિસ્તાર હેલાધાબ તરીકે ઓળખાય છે.
આદિવાસી સમાજના કુળદેવી એટલે દેવ મોગરા ગામમાં બિરાજમાન મા યાહા મોગી પાંડોરી મા. ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા આદિવાસી ધામ દેવમોગરામાં દેવી શક્તિની પૂજા કરવામાં આવે છે. અહીંયા લોકો માતાજી પ્રત્યે અનોખી શ્રદ્ધા ધરાવે છે. શ્રધ્ધાળુઓ અહીંયા શીશ નમાવી પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને માતાજીના આશીર્વાદથી લોકોની માનતા પૂર્ણ થાય છે. એટલે અહીંયા શ્રધ્ધાળુઓ અતૂટ આસ્થા શ્રધ્ધા ધરાવે છે.
આદિવાસીઓની કુળદેવી યાહા મોગી માતાજીના ઇતિહાસની વાત કરીએ તો એક લોકવાયકા પ્રમાણે વર્ષો પૂર્વે હેલાધાબમાં ઉમરાવણ નામના દેવી હતા જેમને સાત પુત્રીઓ હતી તેમાં સૌથી નાની પુત્રીનું નામ યાહા મોગી હતું. યાહા મોગી ખુબ જ દૈવી શક્તિ ધરાવતા હતા. તેમના દર્શનથી દુઃખિયારાઓના દુઃખો દુર થતા હતા. અને તેમની મનોકામનાઓ પુર્ણ થતી હતી.
વધુ એક લોકવાયકા મુજબ તે સમય દરમિયાન આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી. અને મા યાહા મોગીએ પ્રજા માટે અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા ત્યારથી તે અનાજની દેવી યાહા મોગી કંસરી માતાજી તરીકે સર્વત્ર પુજાતા થયા હતા. માતાજીની શક્તિની ખ્યાતિ ચોમેર ફેલાવા લાગી હતી. તે જમાનાના રાજાપાંઠા અને વિનાદેવ નામના દૈવી પુરૂષોએ માતાજીના દર્શનાર્થે ઘોડે સવારી કરી નિકળ્યા હતા. યાહા મોગી માતાજીને આની જાણ થતા માતાજી અદ્રશ્ય થઇ ગયા હતા. માતાજીની આ શક્તિથી બન્ને દેવી પુરૂષો પ્રભાવિત થયા હતા. અને તેમણે માતાજીની સોનાની મુર્તિ બનાવી દેવમોગરા ખાતે પ્રતિષ્ઠા કરી હતી.
માતાજીની સોનાની મૂર્તિના આજે પણ દેવમોગરા મંદિરમાં ભાવિક ભક્તો દર્શન કરે છે. શ્રધ્ધાળુ ભક્તો પોતાના દુઃખ દર્દ દુર કરવા માતાજીની માનતા રાખે છે. અને માતાજી તેમની મનોકામના પુર્ણ કરે છે. જે ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તે લોકો પોતાની શક્તિ મુજબ ધન અને સોના ચાંદીના દાગીના માતાજીના ચરણે ધરાવી ધન્યતા અનુભવે છે. દેવ મોગરા મંદિરમાં ખેડૂતો પોતાના ખેતરમાં પાકતું ધાન પ્રથમ યાહા મોગીના ચરણોમાં અર્પણ કરે છે. અને માતાજી ચરણમાં અર્પણ કરેલ ધાનને પ્રસાદ રૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવે અને ઘરમાં કોઢાળ કબાટમાં રાખવામાં આવે જેનાથી ઘરમાં બરકત રહેવાની માન્યતા છે. નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવ મોગરાનો ધાર્મિક મેળો જાત્રા અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
દેવમોગરા ખાતે યાહા મોગી જાત્રા ઉત્સવ તરીકે યોજાય છે. મહા વદ ચૌદસની રાત્રિએ બોહણની પુજા થાય છે. બીજે દિવસે અમાસના વહેલી સવારે માતાજીના સ્થાનકથી ઉત્તર દિશામાં નદી કિનારે વાગણ્યા ગાદીની પુજા થાય છે. સાગબારાના રાજવી પરિવાર સૌ પ્રથમ માતાજીની પુજા અર્ચના કરે છે. ત્યારબાદ પ્રજા પુજાવિધી કરે છે. આ દિવસે માતાજીની ભવ્ય સ્નાન સવારી નીકળે છે. યાત્રામાં બહોળા પ્રમાણમાં આદિવાસી પારંપારિક પરિધાન વાઝીંત્રો સાથે લોકો નાચ ગાન કરતા હર્ષોલ્લાસ સાથે જોડાય છે. પાંચ દિવસ ચાલતી જાત્રામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે.
માતાજીના સ્નાનનું પવિત્ર જળ લેવા માટે ભારે ઘસારો થાય છે. અને પવિત્ર જળના સેવનથી તન– મનના દુઃખો દુર થાય છે અને ભાવિકો ધન્યતા અનુભવે છે. પાંચ દિવસીય મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના અને રાજસ્થાનના આદિવાસી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટી પડે છે.
દેવમોગરા માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓમાં પુરુષો મંદિરમાં ફાટેલા, ટૂંકા કપડાં પહેરી શકતા નથી. માથા ઉપર આદિવાસી પાઘડી, ગમછો, ફાળિયું, પહેરીને પ્રવેશ કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ જીન્સ કે અન્ય ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકતી નથી. તેમણે માથે દુપટ્ટો ઓઢયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સાક્ષાત્કાર કુળદેવી યાહા મોગી દેવ મોગરા માતાનો મહિમા અપરંપાર છે.