શરદ પવારે પોતાના સંન્યાસને લઈ મોટું નિવેદન આપ્યું છે. 84 વર્ષના હોવા છતાં રાજકારણમાં સક્રિય રહેલા NCPના વડાએ કહ્યું કે હવે નવા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ. આ નિવેદન પરથી એવું લાગી રહ્યું છે કે હવે તેઓ પોતાની રાજકીય સફર ખતમ કરવાનું વિચારી રહ્યા છે.
શરદ પવારે તાજેતરમાં બારામતીની મુલાકાત દરમિયાન નિવૃત્તિ અંગે આ નિવેદન આપ્યું હતું. એમને કહ્યું કે હું અત્યારે સત્તામાં નથી અને રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. મારી પાસે હજુ દોઢ વર્ષ બાકી છે. આ પછી હું વિચારીશ કે ફરીથી રાજ્યસભામાં જવું કે નહીં. હું હવે લોકસભાની ચૂંટણી લડીશ નહીં.
આગળ એમને કહ્યું કે, ‘હું 14 ચૂંટણી લડી ચૂક્યો છું અને તમે લોકોએ મને એક વાર પણ ઘરે બેસાડ્યો નથી. હવે આ ક્યાંક તો અટકશે અને હવે યુવાનોને તક મળવી જોઈએ. હવે મારે ધારાસભ્ય નથી બનવું, મારે સાંસદ નથી બનવું. હું લોકોના પ્રશ્નો ઉકેલવા માંગુ છું.’
જણાવી દઈએ કે 84 વર્ષીય શરદ પવારે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. શરદ પવારના આ નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. જો કે તેઓ ખરેખર નિવૃત્તિ લેશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. શરદ પવારના નિવેદનને બાદ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હવે NCPમાં મોટો ફેરફાર થશે.