ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તેઓ બીજી વખત પિતા બની ગયા છે. રિતિકા સજદેહે દીકરાને જન્મ આપ્યો છે. રોહિત શર્માને એક દીકરી પણ છે જેનું નામ સમાયરા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટનના ઘરે ખુશીઓ આવી છે.
જણાવી દઈએ કે ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હેઠળ 5 મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ હવે જયારે તેઓ પિતા બની ગયા છે, તો એવી અપેક્ષા છે કે તેઓ પર્થ ટેસ્ટમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
નોંધનીય છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા નથી. તેમના સિવાય બાકીની ભારતીય ટીમ આવી પહેલા જ પહોંચી ચુકી છે અને બધાએ પર્થના WACA સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીજી તરફ રોહિત શર્માની પત્ની રિતિકાએ શુક્રવારે દીકરાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં, આશા છે કે તેઓ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાઈ શકે છે.
રિતિકાની આ પોસ્ટે આપી દીધી હતી હિંટ
વાસ્તવમાં, રોહિત અને રિતિકાએ આ ખુશખબર વિશે અગાઉથી કોઈને જાણ થવા દીધી ન હતી. પરંતુ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન જવા બદલ રોહિતની ટીકા કરી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એરોન ફિન્ચે અલગ અભિપ્રાય આપ્યો હતો. ફિન્ચે કહ્યું હતું કે, ‘હું સની (સુનીલ ગાવસ્કર) સાથે સંપૂર્ણપણે અસંમત છું. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. જો તમારે ઘરે રહેવું પડે છે, કારણ કે તમારી પત્નીને બાળક થવાનું છે… તો તે ખૂબ જ સુંદર ક્ષણ હોય છે… અને તમે તે સંબંધમાં જેટલો સમય ઈચ્છો છો તેટલો સમય કાઢો છો.’
આ પછી, રિતિકા સજદેહે એરોન ફિન્ચના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલને ટેગ કરીને ‘સેલ્યુટ’ ઇમોજી પોસ્ટ કરી. રિતિકાની આ પોસ્ટ બાદ ચર્ચાઓનું બજાર ગરમ હતું કે રોહિત શર્માના ઘરે ખુશીઓ આવવાની છે… ફરીથી બાળકની કિલકારીઓ ગૂંજવાની છે.
કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં પિતા બનવાના છે
બીજી તરફ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલના ઘરે પણ ખુશીઓ આવવાની છે. તે પણ પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં જ રાહુલની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
પ્રથમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, નાથન મેકસ્વીની, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક.
ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (નવેમ્બર 2024 – જાન્યુઆરી 2025)
22-26 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ
6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ
14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન
26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન
03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની