મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે હવે મુખ્યમંત્રી પદ કોને મળશે તેનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. બુધવારે એકનાથ શિંદેના નિવેદન પરથી એ વાત લગભગ નિશ્ચિત છે કે સીએમ બીજેપીમાંથી જ હશે. હવે માત્ર નામ પર મહોર મારવાનું બાકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દિલ્હી ખાતેના ઘરે આ અંગે એક મોટી બેઠકનું આયોજન કરાયુ છે. મહાયુતિના નેતાઓની બેઠક બાદ સીએમનું નામ નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. બેઠક પહેલા એકનાથ શિંદેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું, “બેઠક સકારાત્મક રહેશે. તમામ મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવામાં આવશે. મુખ્યમંત્રી બનાવવામાં કોઈ અવરોધ નથી.”
મુખ્યમંત્રી પદને લઈને અત્યાર સુધી શું થયું?
મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના ચાર દિવસ પછી પણ મહાયુતિ ગઠબંધન તેના મુખ્યમંત્રીને પસંદ કરી શક્યું નથી. ત્રણ નામ રેસમાં હતા, પરંતુ અજિત પવાર પહેલાથી જ પીછેહઠ કરી ચૂક્યા છે. અને એકનાથ શિંદેએ પણ રેસમાંથી બહાર હોવાના સંકેત આપ્યા છે. તેમણે બુધવારે નિવેદન આપ્યું હતું કે તેઓ ભાજપના મુખ્યમંત્રીને સ્વીકારે છે અને ભાજપ નેતૃત્વ જે પણ નિર્ણય લેશે તે તેનું પાલન કરશે.
મહારાષ્ટ્રમાં ભાજપની ઐતિહાસિક જીત
તમને જણાવી દઈએ કે ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને તાજેતરમાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં 288 સભ્યોના ગૃહમાં 230 બેઠકો જીતીને શાનદાર જીત નોંધાવી હતી. લોકસભા ચૂંટણીમાં
મહારાષ્ટ્રમાં મળેલી હારમાંથી બહાર આવતાં, ભાજપે 132 મતવિસ્તારો કબજે કર્યા, જે મહાયુતિના તમામ ઘટકોમાં સૌથી વધુ છે. શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ પણ સારું પ્રદર્શન કર્યું છે. શિવસેનાએ 57 બેઠકો જીતી છે, જ્યારે NCPએ 41 બેઠકો જીતી છે.