ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નિધિ પાંડેયનો લાંચ માંગતો વીડિયો વાયરલ થયા બાદ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. વાયરલ વીડિયોમાં ડ્રગ્સ ઇન્સ્પેકટર કોઈપણ ડર વગર કેમિસ્ટ પાસેથી લાંચ માંગતી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નિધિ પાંડેની આ પહેલી પોસ્ટિંગ હતી. તાજેતરમાં તેમણે એક મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રિપોર્ટ OK આપવા માટે લાંચ પણ માંગી હતી. ત્યારે કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો વાયરલ થતાં સરકારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નિધિ પાંડેય મેડિકલ ડાયરેક્ટરને કહી રહી છે – ‘ભાવ-તાલ ન કરો, દુકાન ચલાવવી છે કે નહીં, જો ચલાવવી હોય તો જે પૈસા કીધા છે તે કાઢ. નહીંતર તારે ત્યાં એટલી ખામીઓ છે, સીધી એફઆઈઆર થશે. હવે તું જાતે જોઈ લે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે નિધિ પાંડેયના આ પ્રકારના અન્ય વીડિયો પણ સામે આવ્યા છે, જેના કારણે કેમિસ્ટ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી તેમની સામે ફરિયાદો પણ થઈ રહી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ રહી ન હતી.
Meet Drug Inspector Nidhi Pandey posted at Shamli, UP. Laws of our country are not Gender Neutral but Crime and Corruption are always Gender Neutral.pic.twitter.com/eFraCJ9DOn
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) December 31, 2024
જણાવી દઈએ કે નિધિ પાંડેયને સસ્પેન્ડ કરવા અંગે મુખ્ય સચિવ પી. ગુરુપ્રસાદ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. આમાં પ્રથમ દૃષ્ટિએ, લાંચ માટે ભાવ-તાલ કરવા, ડ્રગ ડીલરને ધમકાવવા, ત્રાસ આપવા અને અને ડ્રગના વેપારને ગેરકાયદેસર રીતે ચલાવવામાં તેમની ભૂમિકાને પ્રતિબિંબિત થાય છે, જે ગંભીર ગેરવર્તણૂક છે અને ભ્રષ્ટાચાર સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. હાલમાં, નિધિ પાંડેયને ઉત્તર પ્રદેશ ગવર્નમેન્ટ સર્વન્ટ રૂલ્સ 1999ના નિયમ 4 હેઠળ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે આ નિયમોના નિયમ 7 હેઠળ વિભાગીય શિસ્તની કાર્યવાહી શરૂ કરીને આરોપોની તપાસ માટે મદદનીશ કમિશનર (ડ્રગ્સ), મુરાદાબાદ મંડળને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ ડ્રગ્સ ઈન્સપેક્ટર નિધિ પાંડેયને સસ્પેન્ડ કર્યા બાદ શામલીના કેમિસ્ટોમાં ઉજવણીનો માહોલ છે. સોમવારે બપોરે કેમિસ્ટોએ હનુમાન ધામમાં બાબા બજરંગબલીના દર્શન કરીને ઢોલ વગાડ્યા, જેમાં કેટલાક કેમિસ્ટ નાચતા જોવા મળ્યા. કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ દેવરાજ સિંહ મલિકે ભ્રષ્ટાચાર સામે અસરકારક પગલાં લેવા બદલ શામલી જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર મામલે એડીએમ પરમાનંદ ઝાનું કહેવું છે કે તપાસ માટે ડીએમ સાહેબે ત્રણ અધિકારીઓની ટીમ બનાવી હતી. વાયરલ વીડિયોના આધારે મેડિકલ સ્ટોરના માલિક અનીસ અન્સારી સાથે વાત કરવામાં આવી, જેને ત્યાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે રેડ પાડી હતી. અનીસના નિવેદન અને તપાસ બાદ ડીએમ દ્વારા નિધિ પાંડેયને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.