બજેટ પહેલા પ્રદેશ પ્રમુખની નિમણૂક, બજેટ બાદ મંત્રી મંડળનુ વિસ્તરણ
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકની તેમજ મંત્રી મંડળના વિસ્તરણની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ સ્થિતિમાં જ જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. ઉપરાંત 19મી ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર પણ ચાલુ થવાનુ છે. જે 30મી માર્ચ સુધી ચાલશે. પ્રમુખની નિયુક્તિ અને વિસ્તરણ અંગ હવે સચિવાલયમાં ટોચના અધિકારીઓએ પણ ચર્ચા કરવાનુ બંધ કરી દીધુ છે. જ્યારે ભાજપના સિનિયર નેતાઓનુ અનુમાન છે કે, સૌ પ્રથમ તો પંચાયત પાલિકાની ચૂંટણીનુ પરિણામ આવી ગયા બાદ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દેવાશે. ત્યાર બાદ એટલે કે બજેટ સત્ર પછી એપ્રિલ મહિનામાં મંત્રીમંડળનુ વિસ્તરણ કરી દેવાશે. અગાઉ બધુ નક્કી થયા છતાં શા મટે જાહેરાત થઈ શકતી નહોતી તે પ્રશ્ન નેતાઓને પણ સમજાતો નથી. એટલુ જ નહી દર વખતે સમય વીતતો ગયો અને વિવિધ ઈવેન્ટો આવતી ગઈ જેને કારણે બન્ને કામો થઈ શક્યા નહોતા. પણ હવે સ્થાનિક ચૂંટણીઓ અને બજેટ સત્ર બાદ આગામી સમયમાં કોઈ જ મોટી અને નોંધપાત્ર ઈવેન્ટો આવતી નથી. જેથી દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓને પણ બન્ને નિર્ણયો લેવામાં ઘણી જ સરળતા રહેશે. વિસ્તરણ ઉપર હાલ પૂરતુ અલ્પવિરામ મુકાઈ ગયું હોઈ ઘણા નેતાઓ નિરાશ થઈ ગયા છે તેમજ બજેટ સત્ર પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
IAS-IPS અધિકારીઓની બદલીઓનો નિર્ણય લેવામાં સરકારની ઢીલી નીતિ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ આખે સરકારે IAS અધિકારીઓની બદલીઓ કરી છે. જો કે હજુ પણ અનેક IAS અધિકારીઓ પોતાની બદલીની રાહ જોઈને બેઠા છે. આ પ્રકારની જ હાલત IPS અધિકારીઓની બદલીઓમાં છે. નિર્ણય નહી લઈ શકવાની સરકારની ઢીલી નીતિને કારણે અધિકારીઓમાં નિરાશાનો માહોલ છે. ઘણા અધિકારીઓ તો રૂટિન કામ સિવાય અન્ય કોઈ કામો કરતા જ નથી. છેલ્લા બે મહિનાથી બદલીઓમાં આજકાલ આજકાલ થઈ રહ્યું હતું. હવે બજેટ સત્ર આવી રહ્યું હોઈ વધુ કેટલા અધિકારીઓની ક્યારે બદલી થશે તે જોવાનું પણ રસપ્રદ બનશે. અગાઉ સચિવાલયમાં એવી ચર્ચા હતી કે, ઉતરાયણ પહેલા IPSની જ્યારે કમુરતા ઉતરી ગયા બાદ IAS અધિકારીઓની મોટાપાયે બદલીઓ થશે. પણ એવુ કશુ થયુ નહોતુ. ઉચ્ચ અધિકારીઓ પોતાના અન્ય મિત્રોને બદલી ક્યારે આવશે, તમને કઈ અનુમાન આવે છે વગેરે જેવા પ્રશ્નો પૂછે છે. જોકે હવે મુખ્ય સચિવપદેથી રાજકુમારની નિવૃત્તિ થઈ જતા અને તેમની જગ્યાએ મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીને મુકાતા આગામી દીવસોમાં IAS અધિકારીઓની મોટી બદલીઓ થશે એનુ અનુમાન કરાતુ હતુ પણ મુખ્ય સચિવનો ચાર્જ સંભાળ્યા બાદ પંકજ જોશીએ પ્રથમ દિવસે જ સનદી અધિકારીઓની સાગમટે બદલીઓના આદેશ કરીને પોતે નિર્ણય લેવામાં જરાય ઢીલા નહી પડે તેનો આડકતરો મેસેજ આપી દીધો છે. ઉપરાંત ચાર સેક્રેટરીઓને પ્રિન્સિપલ સેક્રેટરીનું પ્રમોશન પણ આપી દેવાયુ છે. હવે આગામી સમયમાં સચિવાલયમાં ફરજ બજાવતા કેટલાક સનદી અધિકારીઓની પણ આંતરિક ટ્રાન્સફર કરી શકાય છે. જેમાં હવે સૌ કોઈનું ધ્યાન મુખ્યમંત્રીના કાર્યાલય પર છે. કેમ કે અહીંથી પંકજ જોશીની જગ્યા લેવા માટે કેટલાય અધિકારીઓ તલપાપડ બન્યા છે અને લોબીંગ પણ શરૂ કરી દીધુ છે. જ્યારે એવી ચર્ચા પણ છે કે, સરકાર કદાચ જોશીની જગ્યાએ હાલ પૂરતા કોઈને ન પણ મુકે જોશી પાસે જે હવાલા હતા તે પૈકીમાંથી હાલમાં CMOમાં ફરજ બજાવતા એમ.કે.દાસ તેમજ અવંતિકા સિંઘ વચ્ચે પણ તેના ખાતાઓ વહેંચી શકાય છે.
ઓપરેશન ગંગાજળનો ઉપયોગ કોઈ મંત્રી કે તેના પર્સનલ સેક્રેટરી ઉપર થશે કે કેમ ?
છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારે વિવિધ ડિપાર્ટમેન્ટોમાંથી કેટલાય ભ્રષ્ટ અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્ત કરી દીધા છે. હજુ પણ આવા અધિકારીઓને શોધવામાં આવી રહ્યા છે. મુખ્ય સચિવપદેથી નિવૃત્ત થઈને વિદાય લીધેલા રાજકુમારે પણ એવું જણાવ્યું હતુ કે, મને તમામ અધિકારીઓ તરફથી સારો સહકાર મળ્યો છે તેમજ ભ્રષ્ટાચારઓને દૂર કરાઈ રહ્યા છે. જેને લઈને હવે સચિવાલયમાં ચર્ચા સાથે લોકો રમૂજ કરી રહ્યા છે કે, ભ્રષ્ટ અધિકારીઓની હકાલપટ્ટી કરવામાં આવે તે સારી બાબત જ છે. પરંતુ સરકારને માત્ર અધિકારીઓ જ દેખાય છે કે શું ? કેમકે ભૂતકાળમાં પણ IAS અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી હતી. જે સરાહનીય પણ છે. પણ મોટી વાત એ છે કે, ભ્રષ્ટાચાર કરવામાં કેટલાક મંત્રીઓ પણ અધિકારીઓને પાછળ રાખી દેતા હોય છે. એટલું જ નહી અમુક મંત્રીના પર્સનલ સેક્રેટરીઓએ તો કરોડો રૂપિયાની જમીનની પણ ખરીદી કરી લીધી છે. તો શું સરકારને મંત્રીઓનો કે તેમના પીએનો ભ્રષ્ટાચાર નથી દેખાતો ? તેઓની સામે ઓપરેશન ગંગાજળ કેમ ચાલુ નથી કરાતુ તેવો પ્રશ્ન પણ લોકો કરી રહ્યા છે.
IAS પત્નીની બદલી થયા બાદ સતત બીજી વખત તેની જગ્યા પર IAS પતિની નિમણૂક
ગુજરાતમાં કેટલાય સનદી અધિકારીઓ પતિ-પત્ની છે. ભુતકાળમાં ક્યારે ન બન્યુ હોય તેવુ બન્યુ છે. જેમાં એક IAS પત્નીની અગાઉ બદલી થઈ હતી તેના સ્થાને તેના પતિને મુકાયા હતા. જેથી થોડો ગણગણાટ થયો હતો. હવે ફરીથી પત્નીની બદલી થતા તેના પતિને તેની બદલીની જગ્યા ઉપર નિમણૂક કરાઈ છે. 2009ની બેચના રતનકંવર ચારણ ગઢવી અગાઉ શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના વડા હતા. દોઢેક વર્ષ પહેલા તેમની બદલી સાબરકાંઠા જીલ્લાના કલેક્ટર તરીકે કરાઈ હતી. પરંતુ એ સમયે તેમની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની ખાલી પડેલી જગ્યા પર તેમના પતિ લલીત નારાયણ સાંડુને મુકાયા હતા. શનિવારે થયેલી સાગમટે બદલીમાં રતનકંવરને આરોગ્ય વિભાગમાં મુકાયા છે. જ્યારે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર તરીકે તેમના પતિ લલીત સાંડુને મુકાયા છે. એક જગ્યાએ પત્ની ફરજ બજાવતી હોય, તેમની બદલી થાય અને તની જગ્યા પર તેમના પતિદેવની જ નિમણૂક થાય તે બાબત ખુબ જ આશ્ચર્યની વાત લાગી રહી છે.
કેટલાય IAS-IPS,મંત્રીઓ અને રાજકીય નેતાઓ મહાકુંભમાં જઈ ગંગામાં ડુબકી મારી આવ્યા
ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન ટોચના અધિકારીઓ અને રાજકીય નેતાઓ પણ ભારે શ્રધ્ધા ધરાવતા હોય છે. હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં તેઓ ગયા હતા. ત્યાં જઈ કડકડતી ઠંડીમાં તેઓએ ગંગા નદીમાં, ત્રિવેણી સંગમમા ડુબકી લગાવી હતી. જેમાં IAS, IPS અધિકારીઓ ઉપરાંત કેટલાક મંત્રીઓ અને ભાજપના નાના મોટા નેતાઓનો પણ સમાવેશ થાય છે. આમાંથી ઘણા મહાનુભાવોને આગામી ભવિષ્યમાં સારો હોદ્દો મળે કે સારું સ્થાન મળે તેવી આશા-અપેક્ષાઓ હોવાથી ત્યાં જઈને ખાસ પુજા અર્ચના પણ કરી હતી. ગંગામાં ડુબકી માર્યા બાદ આ પૈકીમાંથી કેટલાક અધિકારીઓ અને નેતાઓએ અયોધ્યા જઈને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા.
ખેલ મહાકુંભમાં કરોડોના ઈનામની જાહેરાતો પણ અનેક ખેલાડી, અમ્પાયરો તથા સ્ટાફને નાણા મળતા નથી
સરકાર દ્રારા દર વર્ષે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યો છે. જેમાં તાલુકા, જીલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ત્રણ ખેલાડીઓને રોકડ ઈનામો આપવાની જાહેરાતો થતી હોય છે. આ વર્ષે પણ ખેલ મહાકુંભ યોજાઈ રહ્યો છે અને તેમાં પણ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપવાની વાત છે. ખેલ મહાકુંભમાં વિવિધ પ્રકારની લગભગ 37 જેટલી જૂદી જદી રમતો છે. વિજેતા ખેલાડીઓ પાસેથી ફોર્મ ભરાવડાવામાં આવે છે જેમાં ખેલાડીઓની બેન્ક ડીટેઈલ્સ પણ લેવામાં આવે છે. જેથી તેના ખાતામાં ઈનામની રકમ સીધી જ જમા થઈ શકે. જોકે ઘણા ખેલાડીઓના બેન્ક ખાતામાં આવી રકમ જમા થઈ ગઈ છે પણ હજુ અનેક એવા ખેલાડીઓ છે કે જેમને અગાઉ યોજાયેલા ખેલ મહાકુંભોના ઈનામની રકમ પણ મળી નથી. આ પૈકીમાંથી કેટલાય સિનિયર ખેલાડીઓ તો નેશનલ લેવલે પણ રમે છે. તેઓએ હવે ખેલ મહાકુંભમાં રમવાનુ પણ બંધ કરી દીધુ છે. ગત વર્ષના અનેક વિજેતા ખેલાડીઓએ સ્પોર્ટસ ઓથોરીટી સમક્ષ ઈનામની રકમ નહી મળવા અંગે અનેક ફરિયાદો કરી છે. પણ અધિકારીઓ એવા બ્હાના કાઢે છે કે, તમારા બેન્ક એકાઉન્ટ નંબરમાં કે અન્ય કોઈ ટેકનિકલ ભુલ હશે. તમને રકમ મળી જશે. આ સંદર્ભમાં કોઈએ સેક્રેટરીનુ તેમજ ખેલ મંત્રીનુ ધ્યાન દોરતા તેઓ પણ ચોંકી ગયા છે. તેઓએ બાકી રહેલા વિજેતા ખેલાડીઓના બેન્ક ખાતામાં ઈનામની રકમ તાત્કાલીક જમાં થઈ જાય તેવી વ્યવસ્થા કરવાની પણ કડક સૂચના આપી છે.